શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 એપ્રિલ 2018 (14:13 IST)

વડોદરામાં ત્રીજી ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ : 50 દેશના પ્રતિનિધિ આવશે

ભગવાન બુદ્ધની જયંતી અમદાવાદ ખાતે ખૂબ જ ભક્તિપૂર્વક ઉજવાશે, પરંતુ ગુજરાતમાં આ વર્ષે ત્રીજી બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ વડોદરા ખાતે યોજાશે. જેમાં ૫૦થી વધુ દેશોનાં પ્રતિનિધિ આવે તે માટે સંઘકાય ફાઉન્ડેશનનાં ભન્તે પ્રશીલરત્નજી કાર્યરત્ છે અને આ માટે ‘મિશન ફોર વર્લ્ડ પીસ’નું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ આગામી ત્રણ મહિના દરમિયાન ૨૫ જેટલાં દેશોમાં જઈને પ્રત્યક્ષ નિમંત્રણ પાઠવશે. સંઘકાય ફાઉન્ડેશનના ભન્તે પ્રશીલરત્નજીએ જણાવ્યું કે ભારતમાં હિન્દુ કેલેન્ડર અનુસાર બુદ્ધ જયંતીની ઉજવણી ૩૦મી એપ્રિલના રોજ થશે, પરંતુ બુદ્ધિસ્ટ દેશોમાં તા.૨૯મી મેના રોજ આ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે.

યુનાઈટેડ નેશન્સના મુખ્ય મથક, અમેરિકાના ન્યૂયોર્ક ખાતે પણ બુદ્ધ જયંતી ઉજવાશે. જોકે, ત્યાં જૂન મહિનામાં ઉજવણી થવાની છે. વર્ષ-૨૦૧૬માં પણ જ્યારે બુદ્ધ જયંતીની ઉજવણી થઈ હતી, ત્યારે હું યુનાઈટેડ નેશન્સ ગયો હતો અને આ વર્ષે પણ હું ત્યાં હોઈશ. ખાસ કરીને હું આ બુદ્ધ જયંતી સમયે તાઈવાન હોઈશ અને ત્યાં એક મહિના સુધી બુદ્ધ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ઉજવણી થશે. કેમકે, ત્યાં સૌથી વધુ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે. ત્યાં તા.૨૯મી મેને ‘બુદ્ધા ડે’ તરીકે મનાવવામાં આવશે. ત્યાં વિશ્વભરમાંથી પણ બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓ આવી રહ્યાં છે, તેઓને પણ હું ગુજરાત પધારે અને આ કોન્ફરન્સમાં જોડાય તે માટે નિમંત્રણ પાઠવવામાં આવશે. હું ‘મિશન ફોર વર્લ્ડ પીસ’ હેઠળ વિશ્વનાં ૨૫ દેશોમાં જઈને ગુજરાતમાં યોજાનારી ત્રીજી આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કોન્ફરન્સ માટે નિમંત્રણ આપીશ, એમ કહી ભન્તેજીએ જણાવ્યું કે સામાન્ય રીતે આ ત્રીજી કોન્ફરન્સનું સ્થળ વડોદરા એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે, ભગવાન બુદ્ધના ગુજરાતમાં જે અસ્થિ મળી આવ્યા તેને ૫૫ વર્ષ થઈ રહ્યાં છે.