ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 મે 2018 (14:29 IST)

કેન્સરગ્રસ્ત માછીમારે પાકિસ્તાનની જેલમાંથી ફોન કર્યો, મને કેન્સર છે છોડાવો નહીં તો અહીં જ મરી જઈશ

ઉના તાલુકાના પાલડી ગામનો યુવાન માછીમાર એક વર્ષથી પાક. જેલમાં હોય અને ગંભીર બીમારીમાં સપડાઇ જતા તેમણે પાકિસ્તાનથી તેમના ભત્રીજાને ફોન કરીને કહ્યું કે મને ગંભીર કૅન્સર છે મને અહીંથી છોડાવો મારે ઘરે આવવું છે. આટલા શબ્દો સાંભળતા માછીમાર પરીવાર પર આભ ફાટ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને આ માછીમાર પરીવારની આંખોમાંથી અશ્રૃઓ વહી છુટ્યા હતા.

ઊના તાલુકાનાં પાલડી ગામનો યુવાન માછીમાર દાનાભાઇ અરજણભાઇ ચૈાહાણ તેમનાં પરીવારમાં તેમની પત્ની રૂડીબેન તથા ચાર દીકરી અને સૈાથી નાનો એક દીકરો હોય પરીવારનું ગુજરાન ચલાવવા આ ગરીબ માછીમાર એક વર્ષ પહેલા પોરબંદરની સોનુ સાગર બોટમાં માછીમારી કરવા ગયો હતો અને તા.3/5/2017 ના રોજ માછીમારી દરમિયાન દાનાભાઇ પાક મરીન સિક્યોરિટીનાં હાથે ઝડપાય ગયો હતો અને કરાચીની લાડી જેલમાં રાખવામાં આવેલ એક તરફ દાનાભાઇનાં પરીવારજનો ઘરનાં મોભી આજે છુટશે કાલે છુટશે તેની ચાતક નજરે રાહ જોતા હતા. અને તેમનાં પત્ની રૂડીબેન પણ બાળકો અને પોતાનું પેટીયું રડવા મજૂરી કામ કરવા લાગ્યા અને બાળકો પણ પોતાની માને પૂછતા પાપા ક્યારે આવહે અને બાળકોનાં આ શબ્દો સાંભળી માતા રૂડીબેન કહેતા થોડા દિવસોમાં આવી જશે, પરંતુ પિતા દાનાભાઇ જેલમાંથી ક્યારે મુક્ત થઇને આવશે તે તો નક્કી ન હતુ. ત્યાં અચાનક જ ગઇકાલે દાનાભાઇએ પાકિસ્તાનથી તેમનાં ભત્રીજા ભાવેશભાઇ ચૈાહાણના મોબાઇલ ફોન પર સામેથી ભાવેશને કહ્યુ કે હું પાકિસ્તાનની હૉસ્પિટલમાંથી દાનાકાકા બોલું છું તેમ કહી તેમનાં પરીવારનાં હાલચાલ પૂછયા હતા અને પછીના શબ્દો જે કહ્યા અને ભાવેશે સાંભળ્યા તે એ હતા કે ભાવેશ મને જેલમાંથી હૉસ્પિટલે લાવ્યા છે અને મને ગંભીર પ્રકારનું કૅન્સર છે મને અહીથી તાત્કાલીક છોડાવો નહીંતર હું અહીં મરી જઇશ માટે ઘરે આવવું છે અને મારા બાળકો સાથે રહેવુ છે.

મને તમે અહીંથી છોડાવવાની વ્યવસ્થા કરો બસ આટલા શબ્દો દાનાભાઇએ કહ્યા અને ભાવેશ પણ તેમનાં કાકા સાથે વધુના બોલી શક્યો અને ફોન સામેથી કાપી નાખવામાં આવેલો તેમનાં કાકા સાથે થયેલી વાત બાદ તેમણે આ વાત ધરે કરતા તેમનાં પત્નિ રૂડીબેન પર આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ જોવા મળતી હતી. અને આ બાબતની જાણ પાલડી ગામનાં સરપંચ કમલેશભાઇ સોલંકીને થતા તેઓ તથા ગામના આગેવાનો માછીમારનાં ઘરે પહોંચી તેમનાં પરીવારને દિલાસો આપ્યો હતો અને દાનાભાઇ વહેલી તકે જેલમાંથી મુક્ત થાય તેવા પ્રયત્નો કરીશું તેવું જણાવેલ આમ પાકિસ્તાનથી માછીમારની વેદના તેમના પરીવારના સભ્યોને હચમચાવી ગઇ છે. ત્યારે દાનાભાઇ પાક.જેલમાંથી મુક્ત થાય તે માટે સ્થાનિક આગેવાનો સરકારમાં સફળ રજૂઆત કરી દાનાભાઇને મુક્ત કરાવે તેવી લાગણી માછીમાર પરીવાર વ્યક્ત કરી રહ્યો છે.