ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 મે 2018 (12:46 IST)

ધોળકામાં દલિતોના નામની પાછળ સિંહ લખવા મુદ્દે બે જૂથ વચ્ચે ધિંગાણું

સોશિયલ મીડિયામાં એકબીજા સામે થયેલી કોમેન્ટોમાંથી મામલો બીચકતાં ધોળકા ખાતે મોડી સાંજે દલિતો અને દરબારો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ધોળકાના વાલથેરા ગામમાંથી રાજપૂત સમાજને દલિતો દ્વારા સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરીને ઉશ્કેરવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેથી મંગળવારે મોડી સાંજે 7-30 વાગ્યે દલિતોનું ટોળું ધોળકામાં રાજપૂતોની સોસાયટીમાં હથિયારો સાથે ધસી આવ્યું હતું. તેમજ સોસાયટીના મકાનો અને રહીશો પર હુમલો કર્યો હતો. જેમાં એકને ઈજા થતા દવાખાને દાખલ કરાયાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ બંને જૂથોની સામસામે ફરિયાદો લઇને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દલિતો દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના નામની પાછળ સિંહ લખવા બાબતે છેલ્લા કેટલાંક સમયથી કોમેન્ટો કરવામાં આવતી હતી. આની સામે રાજપૂત સમાજ દ્વારા વળતી કોમેન્ટો કરાઇ હતી. જે બાબતને લઇને રાજપૂતો અને દલિતો વચ્ચે ગરમાગરમી ઊભી થઈ હતી.

રાજપૂતોએ વળતો જવાબ આપતાં ઉશ્કેરાયેલા દલિતોએ રાજપૂતોને એટ્રોસિટીની ધમકી આપી હતી. તેમજ ‘તમારી નોકરીઓ જતી રહેશે’ એવી ધમકી આપી રાજપૂતો પાસે માફી મંગાવી હતી. આ માફી માંગતો ઓડિયો દલિતોએ સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં વાત વધુ વણસી હતી. તેમજ આને લઇને આજે સાંજે 7-30 વાગ્યાના સુમારે દલિતો અને રાજપૂતોના ટોળા ધોળકાના મધ્ય વિસ્તારમાં એકઠા થયાં હતાં. જે પછી બંને જૂથો દ્વારા ઝપાઝપી થવા પામી હતી. ત્યારબાદ દલિતોનું ૩00થી 400 માણસોનું ટોળું હથિયારો સાથે રાજપૂતોની વસ્તી વાળી દેવતીર્થ સોસાયટીમાં ઘૂસી ગયું હતું, જ્યાં તેઓએ આખી સોસાયટીને બાનમાં લઇને મકાનો અને રહીશો પર હુમલા કર્યા હતા. ધોળકા એપીએેમસીના ડિરેક્ટર બાબુભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર આ જ સોસાયટીના એક ઘરમાં નવ માસનો ગર્ભ ધરાવતી મહિલા પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ જતાં તેની સાડા ચાર વર્ષની બાળકીને તલવાર અડાડવામાં આવી હતી. આ સમયે કેટલાંક સભ્યોએ બાળકીને બચાવી લીધી હતી. ટોળાએ સોસાયટીમાં વાહનોની તોડફોડ કરી પથ્થરમારો કરી મકાનોને ભારે નુકસાન પહોંચાડયું હતું. આ પછી દેકારા-પડકારા કરતું ટોળું ફરાર થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં ધોળકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ રાત્રી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના બને તેની તકેદારીરૂપે ધોળકા અને વાલથેરા ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બીજી તરફ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદો લેવાની કાર્યવાહી કરવા ઉપરાંત બંને પક્ષે સમાધાન કરાવવાનો પ્રયાસો પણ હાથ ધર્યા છે.