મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 જુલાઈ 2019 (14:20 IST)

10 વર્ષનો બાળક બે નાની બહેનોને ઘરેથી ભગાડી સોમનાથ પહોંચી ગયો

અમદાવાદના નરોડામાં રહેતા દસ વર્ષના બાળકે ટીવી શો રુદ્રરક્ષકમાં સોમનાથ દાદાના દર્શન કરવાથી શક્તિ મળે છે તે જોઈ બે બહેનો સાથે સ્કૂલ ડ્રેસમાં નરોડાથી ST બસમાં કલોલ જતા રહ્યાં હતાં. ત્યાંથી ઇન્ટરસિટી ટ્રેનમાં ટિકિટ વગર સોમનાથ પહોંચી ગયાં હતાં. જ્યાં વેરાવળ રેલવે સ્ટેશન પર બેઠેલા ત્રણેય બાળકોની પોલીસે પૂછપરછ કરતાં સોમનાથ દાદાના દર્શન કરવા તેઓ આવ્યા હોવાનું જણાવ્યું હતું. વેરાવળ પોલીસે નરોડામાં તેમના માતા-પિતાનો સંપર્ક કરી તેઓને સોંપ્યા હતાં.

નરોડામાં આવેલા સૂતરનાં કારખાના પાસે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા પ્રેમસિંગ રાજપૂતને બે પત્નીઓ છે અને સંતાનમાં ત્રણ દીકરી તથા એક દીકરો છે. મોટો દીકરો સનીસિંગ (ઉ.વ.10), નાની દીકરી સંગીતા (ઉ.વ.9) અને ખુશ્બૂ (ઉ.વ.8) તથા પ્રીતિ(ઉ.વ.5)ની છે. તેઓ કડી-ઇન્દ્રોડાની શારદા મંદિર પ્રાથમિક શાળા અભ્યાસ કરે છે. બપોરે બાળકો ઘર બહાર રમતાં હતાં ત્યારથી ગાયબ થઇ ગયાં હતાં. પરિવારજનોએ આસપાસ શોધખોળ કરતા હતા પરંતુ બાળકો મળ્યા ન હતા. દરમ્યાનમાં ત્રણેય બાળકો વેરાવળ રેલવે સ્ટેશન પર સ્કૂલ યુનિફોર્મમાં પોલીસને મળી આવ્યાં હતાં. પોલીસે પૂછપરછ કરતાં બાળકોએ જણાવ્યું હતું કે, તેમનાં માસી સોમનાથ મંદિર પાસે રહે છે. જેથી વેરાવળ પોલીસે સોમનાથ મંદિરે ત્રણેય બાળકોને લઇ ગઈ હતી. જ્યાં પોલીસે ત્રણેય બાળકોને સોમનાથ દાદાના દર્શન કરાવ્યાં હતાં અને મંદિરમાં પણ ફેરવ્યાં હતાં. પોલીસે ત્રણેય બાળકોને નવા કપડાં પણ આપ્યાં હતાં. બાદમાં બાળકોની પૂછપરછ કરતાં સમગ્ર હકીકત જણાવી હતી કે સનીસિંગે ટીવી શો રુદ્રરક્ષક જોઈ તેમાં એક સીનમાં બતાવ્યું હતું કે સોમનાથ દાદાના દર્શન કરવાથી શક્તિ મળે છે. જેથી બે બહેનો સાથે નરોડાથી કલોલ સુધી એસ.ટી. બસમાં ટિકિટ ગયો હતો. બાદમાં કલોલ રેલવે સ્ટેશનથી સોમનાથ જવા માટે ઇન્ટરસિટી ટ્રેનમાં બેસી સોમનાથ પહોંચી ગયો હતો. વેરાવળ પોલીસે બાળકો પાસેથી તેમનાં માતા-પિતાનો નંબર લઇ તેમને બાળકો સુપરત કર્યાં હતાં.