ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2019 (11:50 IST)

વેરાવળમાં દરિયાનું પાણી ઘૂસતાં લોકો ઘર છોડીને ભાગ્યા, સોમનાથ પંથકમાં 24 કલાકમાં 6 ઇંચ

ગુજરાતમાંથી હવે વાયુ વાવાઝોડાનો ખતરો મોટેભાગે હટી ગયો છે. પરંતુ દરિયા કિનારે દસ્તક દઈ રહેલા વાવાઝોડાને કારણે કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને પવનની લહેરો ચાલી રહી છે. વાયુ વાવાઝોડાએ વેરવળના દરિયાને તોફાની બનાવ્યો છે. વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું છે પરંતુ તેની અસર વેરાવળના દરિયાકાંઠે જોવા મળી રહી છે. 
આજે સવારે દરિયાના પાણી જલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ વિસ્તારના લોકો જગ્યા છોડવા તૈયાર નહોતા પરંતુ જેવું પાણી ઘરમાં ઘૂસવા લાગ્યું કે લોકોએ આ વિસ્તાર ખાલી કરી દીધો છે. તેમજ સુત્રાપાડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સમયાંતરે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે.વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સુત્રાપાડામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ વેરાવળમાં 2, કોડીનારમાં 2, ઉનામાં 1 અને ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગીરસોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે પણ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદ પાડવાની આગાહી પણ કરવામાં આવી છે. જેની અસર રાજકોટ જિલ્લાના ગોંડલ તથા આસપાસ ના વિસ્તારમાં પણ જોવા મળી હતી. ગઈકાલ દિવસ દરમિયાન હળવા ઝાપટા તેમજ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું ત્યારે આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બાદમાં થોડા સમય માટે ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. વરસાદની આગાહીને પગલે તમામ શાળા-કોલેજોમાં તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ બાદ શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગીરસોમનાથમાં આખી રાત વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરૂ વાવેતર કર્યું છે તેને જીવનદાન મળ્યું છે. ગીરસોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે