શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , ગુરુવાર, 18 જુલાઈ 2019 (08:34 IST)

વિજય રૂપાણી આજે દિલ્હીમાં, નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં સહભાગી થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની આજે તા. ૧૮ જુલાઇ-ર૦૧૯ને ગુરૂવારે, યોજાનારી પ્રથમ બેઠકમાં સહભાગી થશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના કન્વીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને કર્ણાટકના કુમારા સ્વામીનો સમાવેશ કરવામાં આવેલો છે. 
 
કેન્દ્રીય કૃષિ કલ્યાણ, મંત્રી નરેન્દ્રસિંઘ તોમર પણ આ સમિતીના સભ્ય તથા નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશચાંદ સભ્ય સચિવ છે. મુખ્યમંત્રીઓની આ હાઇપાવર્ડ કમિટી દેશના કિસાનોની આવક બમણી કરવાના પગલાંઓ તથા કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરશે અને બે મહિનામાં તેનો અહેવાલ આપશે.
 
તા. ૧૮ જુલાઇ-ર૦૧૯ ગુરૂવારે સવારે ૧૧ કલાકે નવી દિલ્હીમાં આ હાઇપાવર્ડ કમિટીની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયભાઇ રૂપાણી આજે ગુરૂવારે સવારે આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોચશે. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ કૃષિના અધિક મુખ્ય સચિવ સંજયપ્રસાદ સાથે જોડાવાના છે.