ડાયરેક્ટર્સ માંડીને આ ફિલ્મી સ્ટાર્સે ધારણ કર્યો ભગવો, 20 ઓગષ્ટ સુધી ચાલશે ભાજપનું સદસ્યતા અભિયાન
: ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા. પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પ્રવકતા ભરત પંડ્યાની હાજરીમાં કલાકારોને ્પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આજે ગાયિકા ભૂમિ પંચાલ, સનેડો ફેઇમ એક્ટ્રેસ રિયા પંચાલ, છેલ્લો દિવસના રિધમ ભટ્ટ, નદીમ વઢવાણિયા અને ડિરેક્ટર જીગ્નેશન મકવાણા ભાજપમાં જોડાયા. કલમ 370 ના મજબૂત નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની આગેવાની માં ચાલી રહેલી કેન્દ્ર સરકારથી પ્રભાવિત થઇને તમામ કલાકારો ભાજપમાં જોડાયા છે તેવો દાવો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યો હતો. ભાજપનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે પહેલા ગાયક કલાકારો કિંજલ દવે, અરવિંદ વેગડા ત્યારબાદ ગમન સાંથલ, દિવ્યા ચૌધરી, રવિ ખોરજ બાદ હવે ભૂમિ પંચાલ, રિયા પંચાલ અને રિધમ ભટ્ટને ભાજપમાં જોડ્યા. ભાજપે સદસ્યતા અભિયાન હેઠળ 50 લાખ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે પહેલીવાર સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને ગુજરાતી ફિલ્મ જગતના કલાકારોને જોડવામાં આવી રહ્યો છે. ગાયક કલાકારોનો ચાહક વર્ગ બહોળો હોય છે ત્યારે ભાજપ હવે ગાયક કલાકારોને જોડીને તેમના ચાહકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખીને આગળ વધી રહ્યો છે. ભાજપમાં છેલ્લા 2 સપ્તાહમાં 15 થી વધુ કલાકારો જોડાઇ ચૂક્યા છે.