ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 26 ઑગસ્ટ 2019 (09:19 IST)

પેટ્રોલ કાઢવા બાબતે ઠપકો આપતા બે ભાઇઓએ યુવકને જીવતો સળગાવ્યો

અમદાવાદ શહેરના ઇસનપુરમાં બે ભાઇઓએ જ એક યુવકને કેરોસીન છાંટીને જીવતો સળગાવી દેવાની ચકચારી ઘટના બની હતી. યુવકે બંને ભાઇઓને બાઇકમાંથી પેટ્રોલ કાઢવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા ભાઇઓએ યુવકને જીવતો સળગાવી દીધો હતો. ગંભીર હાલતમાં યુવકને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે બે સગા ભાઇ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
 
મળતી માહિતી પ્રમાણે ઇસનપુર ઉજાલા સોસાયટીમાં રહેતો 20 વર્ષીય પંકજ પાટીલ નામનો યુવાન શનિવારે રાતે તેની સોસાયટીની બહાર પાર્ક કરેલી બાઈક પાસે ગયો હતો. બાઈક ઉપર બાજુની નિર્મલકુંજ સોસાયટીમાં રહેતા પ્રદીપ અમરસિંગ કોરી અમે નરેશ અમરસિંગ કોરી નામના બે ભાઈ બેઠા હતા અને પેટ્રોલ કાઢતા હતા. બાઈકમાંથી પેટ્રોલ કેમ કાઢ્યું તેમ કહેતા બંને ભાઈઓએ બાજુની બાઈકમાંથી પેટ્રોલ કાઢવા કહ્યું હતું.
 
મળતી માહિતી અનુસાર પંકજે પ્રદીપને લાફો મારતા બને ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. પંકજના પરિવારના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન પ્રદીપ કેરોસીનનું ડબલુ લઈ આવ્યો હતો અને પંકજ પર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી.
 
 આગથી પંકજ સળગવા લાગતા લોકોએ માટી અને ધાબળાથી આગ બુઝાવી 108માં સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પંકજનું 85 ટકા શરીર દાઝી ગયું હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. ઇસનપુર પોલીસે બંને ભાઈઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે.