શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (13:00 IST)

રાજ્ય સરકારે આપી રાહત: મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડી, નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગુ

કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ એક્ટમાં રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું હતું કે નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગુ થશે. રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોમાં 50થી વધુ કલમોમાં ફેરફાર કર્યા છે. કલમ-200 હેઠળ રાજ્ય સરકાર ફેરફાર કરવામાં આવ્યા છે. સીએમ વિજય રૂપાણીએ સામાન્ય જનતાને ધ્યાન રાખતા તમામ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે માન્ય ગણાશે એમ જણાવ્યું હતું.

 
રાજ્ય સરકારને કાયદામાં ફેરફાર કરવાની સત્તા હોય છે ત્યારે કેટલાક દંડ અને નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં ટુ વ્હીલર અને ટ્રેક્ટરને રાહત અપાઇ છે. જ્યારે અન્ય કેટલીક રાહતો પણ અપાઇ છે.  મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી. ઓ દંડ નહીં કરી શકે.
 
વિજય રૂપાણીએ ઉમેર્યુ કે આ નિયમોનું પાલન કરાવવા માટે ઠેરઠેર પોલીસ અને આર.ટી.ઓ ચેકિંગ કરશે અને સ્થળ પર સમાધાન શુલ્ક પાવતી આપશે, જ્યારે ઈ-ચલણ એક અલગ વ્યવસ્થા છે. ઈ-ચલણોનો અમલ સતત થતો રહેશે.
 
રાજ્ય સરકારે કેન્દ્રના દંડના નિયમમાં ફેરફાર કરતાં લાયસન્સ, વીમો, પીયુસી, આરસી બુક વગર પહેલી વખત પકડાય તેને 500 રૂપિયાનો દંડ, જ્યારે બીજી વખત પકડાય તેને 1000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત હેલમેટ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ, સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો 500 રૂપિયા દંડ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતાં પહેલી વખત પકડાય જોવ તો 500 રૂપિયા દંડ, બીજી વખત પકડાય તેને 1000 રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.