બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 મે 2020 (12:30 IST)

કેન્સરગ્રસ્ત ભદ્રાબહેને કોરોનાને માત આપી મક્કમ મનોબળનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું

એક સમયે કેન્સર માટે એવું કહેવામાં આવતું કે, ‘કેન્સર એટલે કેન્સલ’. આ જ રીતે વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારી કોરોનાના ફેલાયેલા વ્યાપના કારણે અનેક લોકો કોરોના વિશે પણ આવી જ સમજ ધરાવે છે. જોકે, પૂરતી માનસિક અને શારીરિક મક્કમતા વડે કોરોનાનો સામનો કરીને મોટા ભાગના દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે અને કોરોના વિશે આમ નાગરિકોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા માટે ઉદાહરણરૂપ સાબિત થઈ રહ્યા છે. ભાવનગરનાં 58 વર્ષીય કેન્સરગ્રસ્ત મહિલા ભદ્રાબેન સોરઠિયાએ આવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
 
ગત તા. 6 મેના રોજ ભાવનગર જિલ્લામાં પાલિતાણામાં રહેતા 58 વર્ષીય ભદ્રાબેન ચંદુભાઈ સોરઠિયાનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની સાથે જ અન્ય એક મહિલા ભાવનગરનાં 60 વર્ષીય રુક્સાનાબેન ઈબ્રાહીમખાન પઠાણને પણ કોરોનાની સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.
 
ઉલ્લેખનીય છે કે, ભદ્રાબેન કેન્સરપીડિત છે અને તેવામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના માટે આ પરિસ્થિતિ વધારે ગંભીર બની ગઈ હતી. આમ છતાં, સર ટી હોસ્પિટલના તબીબો તેમજ આરોગ્યકર્મીઓ દ્વારા તેમની પૂરતી સેવાસુશ્રૂષા અને સારસંભાળ તેમજ કાઉન્સેલિંગ થકી તેઓ કોરોના સામેની આ લડાઈ જીતવામાં સફળ થતાં તેમને હોસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાંથી રજા આપવામાં આવી હતી અને અન્ય બીમારીની સારવારઅર્થે અન્ય વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.
 
ભદ્રાબેનની સાથોસાથ રુક્સાનાબેનને પણ સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન, ગત 24 કલાક દરમિયાન બંને મહિલાઓનો બે વખત કોરોના રિપોર્ટ કરવામાં આવતાં બંને વખત નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી તેઓને સ્વસ્થ જાહેર કરી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની સઘન સારવાર અને સુશ્રૂષા થકી અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ 98 દર્દીએ કોરોનાને માત આપી છે, જ્યારે 12 દર્દી હાલ સારવાર હેઠળ છે.