મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (12:41 IST)

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતી હવે વાઘોડિયાના ધારાસભ્ય રીસાયા

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના કામ નહીં થતાં તેમણે રાજીનામું આપ્યું અને પરત ખેંચી પણ લીધું, પણ તેમના જ જિલ્લાના અન્ય ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો તો સાતમા આસમાને છે. તેમના વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી અધિકારીઓે અંગે એવા શબ્દો ઉચાર્યા છે જે અહીં અમે લખી શકીએ તેમ નથી. વાઘોડિયાના તળમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસે મંજૂરી માગી હતી. મહેસૂલ મંત્રીના કાર્યાલયમાં ફોન કરી શ્રીવાસ્તવના અંગત મદદનીશે જણાવ્યું હતું કે, મધુભાઇનું કામ આજે પણ નહીં થાય તો તેઓ રાજીનામું આપી દેશે. આ અંગે ‘દિવ્ય ભાસ્કર’એ જ્યારે શ્રીવાસ્તવને ફોન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે. આ અગાઉ ગઈકાલે ધારાસભ્ય કેતન ઈનામદારે અધિકારીઓ કામ ન કરતા હોવાનો આરોપ લગાવી રાજીનામું આપ્યું હતું. જોકે આ રાજીનામું તેમણે પરત ખેંચી લીધું છે. મધુ શ્રીવાસ્તવ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતની રેકોર્ડિંગ ‘દિવ્સ ભાસ્કર’ પાસે છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યુ હતું કે, હું કોઇના દમ મારવાથી ડરતો નથી. હું કોઇ ફાઇલ પેન્ડિંગ રાખતો જ નથી. મધુભાઇની ફાઇલ ત્વરિત મંગાવી તેની મંજૂરી માટે મેં પ્રક્રિયા કરી નાંખી છે.