શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (13:25 IST)

સુરેન્દ્રનગરથી ભરતીમાં ભાગ લેવા વડોદરા આવ્યાં અને છેક છેલ્લી ઘડીએ મુશ્કેલી સર્જાઈ....

સુરેન્દ્રનગરના યશરાજ સિંહ પરમાર ભારતીય વાયુ સેનામાં જોડાઈને દેશની સેવા કરવાના થનગનાટ સાથે એર મેન ભરતીમાં ભાગ લેવા છેક વડોદરા આવ્યા. મનમાં ઉત્સાહ હતો અને વાયુ સૈનિક બનવાનો આત્મ વિશ્વાસ હતો.તેઓ કાળજીપૂર્વક બધાં જરૂરી દસ્તાવેજો સાથે લાવ્યા હતાં. પરંતુ દસ્તાવેજોની ચકાસણી સમયે બધું કામ અટકી પડે એવી એક ગૂંચ ઊભી થઈ. તેમની પાસે બારમા ધોરણની અસલ માર્કશીટ ન હતી અને વાયુ સેનાના કડક નિયમો પ્રમાણે ચકાસણી માટે તેની જરૂર હતી. ત્યારે યશરાજને યાદ આવ્યું કે, અસલ નકલ તો કોલેજમાં પ્રવેશ લેતા સમયે એ લોકોએ જમા લીધી હતી અને હજુ પરત આપી નથી.
 
હવે યુવરાજ મૂંઝવણમાં મુકાયા. ભરતીની તક હાથમાંથી સરી જાય એવો ડર લાગ્યો અને તેઓ અસહાય હતા. છેવટે આ બાબતની રજૂઆત તેમણે રોજગાર કચેરીએ ભરતીના સ્થળે શરૂ કરેલા હેલ્પડેસ્કના અધિકારી સમક્ષ મૂકી. અધિકારીએ તેમની વાત સમજીને વાયુ સેનાના ભરતી અધિકારીઓ સાથે સંવાદ કર્યો.યુવાનની મુશ્કેલી સાચી છે એ વાતની એમને પણ પ્રતીતિ થઈ હતી.
 
છેવટે સંબંધિત કોલેજના સત્તાવાળાઓ સાથે વાત કરી કોલેજમાંથી વોટ્સેપ દ્વારા માર્કશીટ મંગાવવાનું નક્કી થયું. એ રીતે મંગાવેલી માર્કશીટની કોપી કાઢવામાં આવી અને રોજગાર કચેરીના અધિકારીએ પરિસ્થિતિની બારીકાઇ અને લાયક ઉમેદવારની મુશ્કેલી સમજી,એર ફોર્સ અધિકારીઓના આગ્રહ પ્રમાણે એ નકલ પ્રમાણિત કરી આપી. વાયુ સેનાના ભરતી અધિકારીએ પાછળથી અસલ માર્કશીટ રજૂ કરવાની શરતે આ વ્યવસ્થાને અનુમોદન આપ્યું.
 
યશરાજ સિંહ લેખિત પરિક્ષા,શારીરિક કસોટી અને અન્ય કસોટીમાં સફળ રહ્યા.અને એમની પ્રાથમિક પસંદગીને મંજૂરીની મ્હોર લાગી.હવે નિર્ધારિત મેડિકલ તપાસમાં સફળ થયે વાયુ સેનામાં એમનો પ્રવેશ સુનિશ્ચિત છે. તેમણે વડોદરા રોજગાર કચેરીના અધિકારીઓના સહાયક બનવાના અભિગમ અને વાયુ સેનાના અધિકારીઓના મુશ્કેલીનો વાજબી ઉકેલ સ્વીકારવાના સહયોગની પ્રશંસા કરતા સહુને દિલથી બિરદાવ્યા છે.