બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જૂન 2020 (22:51 IST)

નિસર્ગ વાવાઝોડું : ગુજરાતમાં કેટલીય જગ્યાએ વરસાદ, અમિત શાહે તૈયારીની સમીક્ષા કરી હતી

'
ભારતીય હવામાન ખાતા દ્વારા અરબ સાગરમાં પેદા થઈ રહેલાં 'સાયક્લોનિક સર્ક્યુલેશન' ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેમાં વાવાઝોડું 'નિસર્ગ' બુધવાર સાંજ કે રાત્રિ સુધીમાં ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકિનારા સુધી પહોંચી શકે છે.
 
અમદાવાદના કેટલાય વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો. શહેરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અમદાવાદીઓમાં આનંદનું મોજું ફરી ગયું હતું. પૂર્વ અમદાવાદના ખોખરા, અમરાઈવાડી, હાટકેશ્વર, નરોડા, સરખેજ, મણિનગર, નારોલ, ઇસનપુર, ઘોડાસર, વટવા, જશોદાનગર, સરસપુર, ઓઢવ, રખિયાલ વગેરે જેવા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો
 
 
અરબ સાગરમાં સર્જાયેલા 'નિસર્ગ' વાવાઝોડાના સંભવિત જોખમને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'નેશનલ ક્રાઇસિસ મૅનેજમૅન્ટ કમિટી' સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરાયેલી તૈયારીની સમીક્ષા કરી હતી.
 
નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સના ડીજી એસ.એન. પ્રધાન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વલસાડ, ભાવનગર, ડાંગમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.
 
નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થઈ ગયું છે અને ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડાની આગાહી કરાઈ છે.
 
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું છે કે 'નૈઋત્યનું ચોમાસું કેરળ ઉપર જામ્યું છે.'
 
હવામાન વિભાગે જણાવ્યું છે કે 'ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે જ્યારે મધ્ય ભારત અને દક્ષિણના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે.'
 
જોકે, આ દરમિયાન પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં દેશના અન્ય વિસ્તારો કરતાં ઓછા વરસાદની આગાહી પણ કરાઈ છે. આ દરમિયાન અરબ સાગરમાં સર્જાયેલું લૉ-પ્રેસર વાવાઝોડામાં ફેરવાઈ શકે એમ છે અને ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રીજી જૂને ત્રાટકી શકે છે. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. અગાઉથી જ કોવિડ-19ને કારણે પીડિત દેશના ટોપ-5 રાજ્યોમાં સમાવિષ્ટ ગુજરાત તથા મહારાષ્ટ્ર માટે ચિંતાજનક સમાચાર છે. વધુ ચિંતા ઉપજાવે તેવી બાબત એ કે અરબ સાગરમાં 'નિસર્ગ' સિવાય વધુ એક ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે, જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
 
અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાવાની ઘટના બની રહી છે, ત્યારે મનમાં એક પ્રશ્ન જરૂર ઊઠે આ વાવાઝોડાં એકમેક સાથે ટકરાય તો?
 
જો આ બે વાવાઝોડાં એકબીજા સાથે અથડાય તો શું થશે? શું આ બંને વાવાઝોડાં એક સાથે મળીને એકીકૃત રીતે 'મહાવાવાઝોડા'નું નિર્માણ કરશે?
 
અનોખું ઐતિહાસિક આવર્તન
 
સામાન્ય રીતે ભારતીય દરિયાકિનારે દર વર્ષે સરેરાશ પાંચ વાવાઝોડા ત્રાટકે છે, ચાર બંગાળની ખાડીમાં અને એક અરબ સાગરમાં. 2019નું વર્ષ અપવાદરૂપ હતું, જ્યારે તેમાં પાંચ વાવાઝોડાં ('વાયુ', 'હિક્કા', 'ક્યાર', 'મહા' અને 'પવન') પેદા થયાં હતાં.
 
હાલમાં અરબ સાગરમાં દરિયાના પાણીનું તાપમાન વિશ્વના કોઈ પણ જળવિસ્તાર કરતાં વધુ છે, જે વાવાઝોડાંના સર્જન માટે આદર્શ તાપમાન માનવામાં આવે છે.
 
અરબ સાગરમાં વધુ એક ડિપ્રેશન આકાર લઈ રહ્યું છે, જે ઓમાનના દરિયાકિનારા કે આફ્રિકામાં યમનમાં એડનની તરફ વળે તેવી મહદંશે શક્યતા છે.