બે દિવસ વડોદરાવાસીઓ પાણી માટે આમ-તેમ ફાંફા મારતા નજરે પડશે, જાણો કારણ
વડોદરા મહાનગર પાલિકાના તંત્રની અણઆવડતને લઈને શહેરના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારના અંદાજે આઠ લાખ લોકો પાણીની સમસ્યાથી કંટાળી ગયા છે. આજે વડોદરા પાલિકા દ્વારા રાયકા દોડકાની પાણીની પાઇપલાઈનની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે 23 અને 24 સપ્ટેમ્બરના રોજ વડોદરાના ઉત્તર ,પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના નાગરિકોને પાણીંની સમસ્યા સર્જાશે. તો બીજી તરફ શહેરનો દક્ષિણ અને પૂર્વ વિસ્તાર દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
વડોદરા શહેરની રાયકા દોડકાની પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા એના રિપેરિંગને લઈને શહેરીજનો બે દિવસને માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. આ લાઈનના રિપેરિંગને માટે પાલિકા દ્વારા અંદાજે 15 થી 20 કલાકનો સમય લાગશે. જેથી આ મહીસાગરમાંથી આવતી પાણીની પાઇપલાઇનમાંથી પાણીનો જથ્થો મેળવનાર પાણીની ટાકીઓ અને સાંપોમાં પાણીનો જથ્થો પહોંચાડી શકાશે નહિ. જેને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે.
આ રિપેરિંગની કામગીરી પૂર્ણ થતા પુનઃ રાયકા દોડકા લાઇનમાંથી પાણીનો પુરવઠો મેળવનાર વિસ્તારોને પૂરતો જથ્થો આપવામાં આવશે. આ લાઈનમાં અનેક જગ્યાએ આવા ભંગાણ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.