મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (11:28 IST)

લંડનથી આવેલા 15 વર્ષના કિશોરને ઓમિક્રોન, એક દિવસમાં 6 નવા કેસ; રાજ્યમાં નવા વેરિયન્ટના કુલ 13 કેસ

ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. રાજ્યમાં રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. દેશમાં અત્યારસુધી ઓમિક્રોનના કુલ 155 દર્દી નોંધાયા, જેમાં દિલ્હીના 22 અને મહારાષ્ટ્રના 54 કેસ સામેલ છે.ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાં આરોગ્યતંત્રમાં દોડધામ થઈ ગઈ છે. લંડનથી 14 ડિસેમ્બરે સેક્ટર-1માં આવેલા પરિવારના 15 વર્ષીય કિશોરને પાંચ દિવસ બાદ શરદી-ખાંસી થતાં કોરોના ટેસ્ટ કરાવાયો હતો. એમાં તેનો આરટી-પીસીઆર પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ કિશોર પોઝિટિવ આવતાં જ તેના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિના ટેસ્ટ કરાયા હતા. તેનાં સેમ્પલ પણ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવાની તૈયારી કરાઈ છે. આ ઉપરાંત ટાન્ઝાનિયાથી સારવાર માટે આવેલું એક દંપતી પણ રવિવારે ઓમિક્રોન પોઝિટિવ આવ્યું છે, જેમને હવે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ રહી છે. આ ઉપરાંત બ્રિટન-દુબઈથી અમદાવાદ આવેલો તેમજ સિવિલ હોસ્પિટલમાં દાખલ આણંદનો 48 વર્ષીય પુરુષ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે.આ દરમિયાન રાજકોટના ત્રાંબા ગામની આર. કે. યુનિવર્સિટીમાં ટાન્ઝાનિયાથી અભ્યાસ અર્થે આવેલો એક 23 વર્ષીય વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ યુવક 12 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યો હતો, જ્યાંથી તે બસ મારફત રાજકોટ પહોંચ્યો હતો. તંત્ર હજુ સુધી આ બસની ઓળખ કરી શક્યું નથી. આ સાથે જ રાજકોટમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. આ વિદ્યાર્થી હાઈ-રિસ્ક દેશમાંથી આવ્યો હોવાથી શંકાસ્પદ કેસ તરીકે સિવિલના ઓમિક્રોન વૉર્ડમાં આઈસોલેટ કરાયો હતો, જેનાં સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાતાં તે ઓમિક્રોન પોઝિટિવ હોવાનું માલૂમ પડ્યું હતું. બીજી તરફ, સુરતમાં પણ એક સપ્તાહમાં જ ઓમિક્રોન વેરિયન્ટનો બીજો કેસ નોંધાયો છે. અહીંના ઉતરાણમાં રહેતા 39 વર્ષીય મહિલા ફેશન ડિઝાઈનર તેમના 18 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રી સાથે દુબઈથી પાછા આવ્યા હતા. બાદમાં તેઓ 13 ડિસેમ્બરે ફરી સુરત એરપોર્ટથી શારજહાંની ફ્લાઈટમાં દુબઈ જવાના હતા, પરંતુ એરપોર્ટ પર તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરીને સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયાં હતાં. એમાં ફેશન ડિઝાઈનર મહિલા ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા, જ્યારે તેમનાં બંને સંતાન નેગેટિવ આવ્યાં હતાં. આ ભાઈ-બહેન રસીના બંને ડોઝ પણ લઈ ચૂક્યા છે. તકેદારીના ભાગરૂપે આ મહિલાને ખાનગી હોસ્પિટલમાં આઈસોલેટ કરાઈ છે, જ્યારે તેમનાં બે સંતાન ઘરમાં ક્વોરન્ટીન છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં રવિવારે 902 નવા કોરોના કેસ અને દિલ્હીમાં 107 નવા કોરોના દર્દી મળ્યા છે. દિલ્હીમાં 25 જૂન પછી આ સૌથી વધારે છે.