ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 મે 2021 (06:12 IST)

ગુજરાતની વધુ નજીક પહોંચ્યું તાઉ-તે, માત્ર ૨૫૦ કિમી દૂર, ઓરેન્જ એલર્ટ જાહેર

સંભવિત તાઉ-તે વાવાઝોડું ગુજરાતના વેરાવળ બંદરથી ૨૫૦ કિલોમીટર દૂર છે. સોમવારે ગુજરાતના કાંઠે આશરે પવનની ઝડપ ૧૫૦ થી ૧૬૦ કિલોમીટર રહેવાની સંભાવના છે. જેના કારણે કાંઠાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અત્યારે તાઉતે વાવાઝોડું ૨૫૦ કિમી દૂર છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. 
 
ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૨૫૦ કિ.મી. છે જેની ગતિની તીવ્રતા આગામી ૨૪ કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે. જે આજે તા. ૧૭ મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે. 
 
આજે તા. ૧૭ મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, તા. ૧૭ અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭૫ કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છે. 
 
દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ ૧૭ જિલ્લાઓમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ માટે ૨૦ NDRFની ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ૪ ટીમો દક્ષિણ ગુજરાતમાં અને ૧૫ વધારાની ટીમો હવાઈ માર્ગે મંગાવાઈ છે. એટલુ જ નહીં પાંચ NDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે એટલે કે કુલ ૪૫ NDRFની ટીમો રેસ્કયુ કામગીરી માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ૬ SDRFની ટીમો પણ ડિપ્લોય કરી દેવાઈ છે. 
 
 
તેમણે કહ્યું કે, માછીમારોને આગામી ૫ દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં ૧૯૭૭ બોટો પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. 
 
તાઉતે વાવાઝોડાની અસરને પગલે નવસારી શહેર સહીત જીલ્લાના ઘણા વીસ્તારોમાં વરસાદ થયો છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. તાપી જલ્લાના વ્યારા – ડોલવણ તાલુકાઓમાં વાતાવરણમાં પલટો સાથે હળવો વરસાદ જોવા મળ્યો હતો. વલસાડ જીલ્લાના ઉમરગામે એનડીઆરએફન એક ટીમ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની અસરના પગલે ધરમપુરમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
 
ભરૂચ જીલ્લાના ૩૦ ગામો એલર્ટ કરાયા છે. દહેજ બંદરે બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. દહેજમાં પાંચ ઔદ્યોગીક વસાહતોને એલર્ટ કરાયા છે. પાટણમાં એક હજારથી વધુ પરીવારો રણમાં રહે છે તેમાંથી ૯૦ ટકા જેટલા પરીવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોડાસામાં વાતાવરણ પલટાતા વરસાદી ઝાપટા થયા છે.
 
વાવાઝોડાને કારણે સુરત જીલ્લાના ૪૦ ગામોને એલર્ટ કરાયા છે. દરીયાકિનારે ઓલા ઝીંગાના તળાવોમાં રહેતા ૮૦૦ મજુરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જીલ્લા વહીવટી તંત્રે દરિયાકાંઠા નજીકના લોકોને સલામત સ્થળે ખસી જવાસુચના આપી છે. વાવાઝોડાના પગલે મુન્દ્રા વહીવટતંત્ર સજજ થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારો અને અગરીયાઓનું સ્થળાંતર કરવામાં આવી રહયું છે.
 
વાવાઝોડાને પગલે અમરેલીના રાજુલા-જાફરાબાદ તાલુકાના છ હજાર લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. રાજપીપળામાં આજે રવિવારે સાડા ચાર વાગે પવનના સુસવાટા સાથે ધુળની ડમરીઓ ઉડી છે. અચાનક ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો.
 
અમરેલમાં દરિયામાં ગયેલી જિલ્લાની ૭૦૦ જેટલી ફિશીંગ બોટ સલામત રીતે કિનાર પર પરત ફરી ચૂકી છે. જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ આસપાસના વાતાવરણમાં આજથી જ પલટો જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે લોકોએ બફારાનો અનુભવ કરી રહ્યા છે.
 
તાઉ-તે વાવાઝોડાની આગાહીના પગલે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે, રાજુલા અને જાફરાબાદ બંને મામલતદાર કચેરીમાં કંટ્રોલરૂમ શરૂ કર્યા છે. દરિયાકાંઠાના 3 કિમી વિસ્તારમાં આવેલા 23 જેટલા ગામડાઓ માટે ખાસ ટીમની રચના કરી દેવામા આવી છે. 
 
પાટણ જીલ્લા કલેકટર સુપ્રીત સીંઘ ગુલાટીએ જણાવ્યું છે કે પાટણ જીલ્લામાં તાઉતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે અસરગ્રસ્તોને આશ્રયસ્થાનમાં ખસેડવાની તૈયાર કરવામાં આવવ છે. જીલ્લાના રાધનપુર, સમી, પાટણ ખાતે એનડીઆરએફની ટુકડી તૈનાત કરવામાં આવી છે. 
 
જીલ્લા કલેકટરની સુચના અનુસાર તંત્ર ધ્વારા દરેક તાલુકા કક્ષાએ તંત્રના ઉચ્ચ અધિકારીઓન લાયઝન ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવી છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડાસા પંથકમાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેરમાં વરસાદી ઝાપટું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.