રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (09:33 IST)

નવરાત્રીમાં ગરબા જોવા ગયેલી 16 વર્ષની દુષ્કર્મ પીડિતાને રહેલો ત્રણ મહિનાનો ગર્ભ પડાવવા આદેશ

કૃષ્ણનગરમાં રહેતી 16 વર્ષની સગીરાને દુષ્કર્મને લીધે ગર્ભ રહેતા તેની માતાએ સેશન્સ કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી. સ્પેશિયલ પોક્સો જજ પ્રેરણા ચૌહાણે સગીરાની મેડિકલ તપાસ કરી બને તેટલા ઝડપથી સમય બગાડ્યા વગર તેનો ગર્ભપાત કરાવવા મંજૂરી આપી છે.

સગીરાની માતાએ રજૂઆત કરી હતી કે, દીકરીની ઉંમર, સ્વાસ્થ્ય અને સામાજિક દરજ્જાને ધ્યાને લેતા તેને ગર્ભપાતની મંજૂરી આપવી જોઈએ. સેશન્સ કોર્ટે ગર્ભપાત બાદ ટિસ્યુ સેમ્પલને સ્ટોર કરવા પણ આદેશ કર્યો છે.નવરાત્રીમાં ગરબા જોવા ગયેલી સગીરાને લલચાવી-ફોસલાવી યુવકે તેની સાથે સંબંધ બાંધ્યો હતો. તેના થોડા સમય બાદ સગીરાએ પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તબીબે તેને 3 મહિનાનો ગર્ભ હોવાનું કહેતા માતા ચોંકી ઊઠી હતી.

માતાએ સેશન્સમાં ગર્ભપાત માટેની કરેલી અરજીમાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ રજૂઆત કરી હતી કે, દીકરીનું ભવિષ્ય, ઉંમર, સામાજિક દરજ્જાને નુકસાન ન થાય તે માટે ગર્ભપાતની મંજૂરી આપવી જોઈએ. દીકરી કુંવારી માતા બને તો તેની બદનામી થાય, તેના ભવિષ્યને પણ નુકસાન થઈ શકે છે. સગીરાએ પોતે પણ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું. સિવિલના મેડિકલ ઓફિસરે સગીરાની શારીરિક તપાસ કરતા તે ગર્ભપાત માટે સક્ષમ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જ્યારે આરોપી યુવકની પોક્સો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ડીએનએ તપાસ માટે ગર્ભના ટિસ્યુ સ્ટોર કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ​​​સગીરાની તમામ શારીરિક તપાસ કરનાર અને ગર્ભપાત માટે તે યોગ્ય છે કે નહિ? તે અંગે સિવિલ હોસ્પિટલના તબીબે વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં નિવેદન આપ્યું હતું. ડોક્ટરે વીડિયો કોન્ફરન્સથી નિવેદન આપ્યું હતું કે, ભોગ બનનારની જરૂરી તમામ મેડિકલ તપાસ કરાઈ છે, તેને 13 સપ્તાહનો ગર્ભ છે. તેની માનસિક-શારીરિક બંને તપાસ યોગ્ય રીતે કરાઈ છે.