મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (11:23 IST)

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનું વિવાદાસ્પદ ટ્વીટ, સરદાર PM હોત તો RSS ન હોત

પરેશ ધાનાણીએ ટ્વીટર પર વિવાદાસ્પદ નિવેદન લખતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરતા લખ્યું કે, જો સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો, આરએસએસ ના હોત, આરએસએસ ના હોત તો બીજેપી પણ ના હોત અને બીજેપી ના હોય તો નરેન્દ્ર મોદી પીએમ પણ ના હોત. સરદાર પીએમ ન બન્યા તે મુદ્દે દેશને અફસોસ છે. પરેશ ધાનાણીએ શું આડકતરી રીતે જવાહરલાલ નહેરૂ પર નિશાન સાધ્યું છે? પરેશ ધાનાણીના આ ટ્વીટ બાદ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે.
બીજીબાજુ,  વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત અગિયાર કોંગી આગેવાનો આજે અમરેલીની ચીફ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમરેલી શહેરમાં મોંઘવારીનું પુતળું જાહેરમાં બાળવા મુદ્દે નોંધાયેલ કેસમાં હવે કોર્ટ દ્વારા કોંગી નેતાઓને આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ ફરી કોર્ટમાં હાજર રહેવા મુદત આપવામાં આવી છે.એકાદ વર્ષ પહેલા અમરેલીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ યોજાયેલ એક કાર્યક્રમમાં મોંઘવારીનું પુતળું બળવામાં આવ્યું હતું જે અનુસંધાને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, બાબરાના ધારસભ્ય વીરજી ઠુમ્મર તેમજ અમરેલી પાલિકાના પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા સહીત ૧૧ કોંગી આગેવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના અનુસંધાને આજે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત તમામ કોંગી આગેવાનો કોર્ટમાં હાજર રહ્યા હતા. ઈટીવી સાથે વાત કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કિન્નાખોરીથી કરવામાં આવેલ ખોટા કેસમાં તેઓ નિર્દોષ સાબિત થશે. ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું તેમણે જણાવ્યું હતું. પરેશ ધાનાણીએ કહ્યું કે, સરકારની સુચનાથી પોલીસ દ્વારા આ પ્રકારના ખોટા કેસ ઉભા કરવામાં આવ્યા છે. અમને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા કિન્નાખોરી થી કરવામાં આવેલ આવા ખોટા કેસો સામે ન્યાયપાલિકા રક્ષણ આપશે તેવો સંપૂર્ણ વિશ્વાસ છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત તમામ અગિયાર કોંગી નેતાઓ આજે રેગ્યુલર તારીખમાં અમરેલીની ચીફ કોર્ટમાં હાજર રહ્યા હતા, પરતું કોર્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીની ફરી મુદત આપવામાં આવતા કેસ વધુ લંબાયો છે.