શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (12:37 IST)

મહેસાણામાં પ્રવેશ પ્રતિબંધની શરત રદ્દ કરવા હાર્દિક પટેલની હાઈકોર્ટમાં રિટ

પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલે હાઇકોર્ટમાં વધુ એક રિટ કરી છે. જેમાં તેણે મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધની શરતને રદ કરવાની દાદ માંગી છે. વિસનગરમાં ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના મામલે હાઇકોર્ટે હાર્દિકને જામીન આપતી વખતે મહેસાણામાં નહીં પ્રવેશવાની શરત મૂકી છે. જો કે, આ શરતમાં નીચલી અદાલતને યોગ્ય જણાય તો ફેરફાર કરવાનું પણ આદેશમાં નોંધ્યું હતું. એ મુજબ હાર્દિક તરફથી સેશન્સ કોર્ટ સમક્ષ મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ રદ કરવા માટે અરજી કરી હતી.

જેને નીચલી અદાલતે ફગાવી દેતા આદેશને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો છે. આ કેસમાં રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરવામાં આવતા વધુ સુનાવણી પહેલી સપ્ટેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે.હાર્દિક પટેલ વતી એડવોકેટ રફીક લોખંડવાલાએ હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે. તેમણે એવી રજૂઆત કરી હતી કે, વિસનગરના કેસમાં હાઇકોર્ટે હાર્દિકને શરતી જામીન આપ્યા હતા. તેવી જ રીતે રાજદ્રોહના કેસમાં પણ તેને શરતી જામીન મળ્યા હતા. વિસનગર કેસની મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધની શરત ચાલુ છે. તેથી ગુજરાતમાં હોવા છતાંય હાર્દિક પોતાના વતન, માતાજીના સ્થાનક અને પાટીદારની બહોળી સંખ્યા ધરાવતા મહેસાણામાં જઇ શકતો નથી. પરિણામે સામાજિક, ધાર્મિક અને જે આંદોલન તેણે ઊભું કર્યું હતું તેના કોઇ કામમાં તે મહેસાણા ખાતે જોડાઇ શકતો નથી. તેથી આ શરતમાં તેને રાહત કરી આપવામાં આવે.