રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 જાન્યુઆરી 2019 (12:30 IST)

હાર્દિક પટેલ પોતાની મિત્ર સાથે લગ્નગ્રંથીમાં બંધાશે

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ લગ્નગ્રંથીમાં બંધાવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ ૨૭ જાન્યુઆરીના રોજ પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે પ્રભુતામાં પગલા પાડશે. સુરેન્દ્રનગર જિલ્લાના દિગસાર ગામ ખાતે હાર્દિક અને કિંજલના લગ્ન યોજાશે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, આ લગ્ન સમારંભ ખૂબ જ સાદગીથી કરવામાં આવશે. 

આ લગ્ન સમારંભમાં ફક્ત ૧૦૦ જેટલા મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવશે. ૧૦૦ મહેમાનોમાં વર અને કન્યા પક્ષના પરિવાર તેમજ નજીકના સંબંધીઓ જ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ લગ્ન પટેલ રીતિ રિવાજ અનુસાર કરવામાં આવશે. હાર્દિક પટેલના લગ્નની જાહેરાત થતા જ તેના લગ્ન તૂટી જવાની બધી જ અફવાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. આ સાથે જ હવે એવી અટકળોએ જોર પકડ્યું છે કે હાર્દિક પટેલ વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી લડશે. 

હાર્દિકના પિતા ભરતભાઇએ જણાવ્યું હતું કે,‘હાર્દિક અને કિંજલ અમદાવાદમાં ચાંદનગરી ગામમાં એક જ વિસ્તારમાં રહેતા હતા અને તેઓ બાળપણથી જ એકબીજાને સારી રીતે ઓળખે છે. અમે અને કિંજલના પરિવારે ૨૭ જાન્યુઆરીના રોજ લગ્નનું આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે, ૨૬મીએ વિરમગામ ખાતે ભોજન સમારંભ અને અન્ય વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૭મીએ સુરેન્દ્રનગરના દિગસર ગામમાં લગ્ન કરવામાં આવશે.

કિંજલ પરીખ પટેલ જ છે અને તે અમારા પાટીદાર સમાજની જ છે. આ આંતરજ્ઞાતીય લગ્ન નથી.  કિંજલ પરીખ સાથે અગાઉ હાર્દિકની સગાઇ કરવામાં આવી હતી. સાદાઇથી યોજાનારા આ લગ્ન સમારંભમાં નજીકના સ્વજનોને આમંત્રણ આપવામાં આવશે. હાર્દિકને ઉંઝા ઉમિયા માતાના ધામમાં લગ્ન કરવાની ઇચ્છા હતી પરંતુ મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હોવાથી દિગસર ગામે માતાજીનું મંદિર છે ત્યાં લગ્ન કરવામાં આવશે.