ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (09:29 IST)

રવિવારની રજા માણવા રિસોર્ટમાં એકઠા થયા લોકો, પોલીસે દરોડા પાડતાં મચી દોડધામ

વડોદરા જિલ્લાના પાદરામાં નજીક માહિ રીસોર્ટમાં લોકો એકત્ર થયા હતા. જો કે, પોલીસે લોકોની મજા સમયે જ દરોડા પાડતા ભાગદોડ મચી ગઇ હતી. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો જોવા મળતો હતો. 
 
જો કે, કોરોના પર નિયંત્રણ મેળવાતા રાજ્ય સરકાર દ્વારા વેપાર ધંધાઓ શરૂ કરવા માટેના આંશિક લોકડાઉનના નિયમો હળવા કરી દીધા હતા. તેવા સમયે લોકોએ સ્વયં શિસ્તનું પાલન કરવાની જગ્યાએ હવે બેફિકર બનીને બહાર ફરતા જોવા મળી રહ્યા છે. અને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે માહિ રીસોર્ટમાં રવિવારે રજાના દિવસે લોકો ઉમટી પડ્યા હતા.
 
રાજ્ય સરકાર દ્વારા રીસોર્ટ શરૂ કરવાની પરવાનગી આપવા બાબતે નિર્ણય હજી લેવાયા નથી. તેવા સમયે માહિ રીસોર્ટમાં લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ પણ જોવા મળ્યો હતો. લોકો જલસા કરવા ભેગા થયા ત્યાં તો પાદરા પોલીસે દરોડો પાડ્યો હતો.
 
પોલીસે રવિવારે માહિ રીસોર્ટમાં રેડ કરી હતી. રેડમાં 26 લોકો અને માહિ રીસોર્ટના બે સંચાલકોની અટકાયત કરવામાં આવી છે. હાલ, આ મામલે વધુ કાર્યવાહી ચાલી રહી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાના કેસોમાં ઘટાડો થયો તેનો મતલબ એ નથી કે કોરોના જતો રહ્યો છે. આજે પણ આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જેવા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું જરુરી છે તે સૌએ સમજવુ આવશ્યક છે.