સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (12:59 IST)

ગાંધી જયંતીથી અમદાવાદ સહિત તમામ રેલવે સ્ટેશનો પ્લાસ્ટિક ફ્રી, બોટલ ક્રશિંગ મશીન મુકાશે

પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ રેલવેએ અમદાવાદ સહિત તમામ રેલવે સ્ટેશન અને ટ્રેનમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર 2 ઓક્ટોબરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો છે એટલે કે હવે તમામ સ્ટેશનો પ્લાસ્ટિક ફ્રી બનશે. સ્ટેશન પર લોકો પાણીની બોટલ જ્યાં ત્યાં ન ફેંકે તે માટે તમામ પ્લેટફોર્મ પર બોટલ ક્રશિંગ મશીન મુકાશે.
અમદાવાદ ડિવિઝનના ઉચ્ચ રેલવે અધિકારીએ જણાવ્યું કે, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કર્યા બાદ લોકો તેને જ્યાં ત્યાં ફેંકી દે છે. આ પ્લાસ્ટિકની થેલીઓ પાણીમાં કે જમીન પર ઓગળતી નથી. વધુમાં પ્લાસ્ટિકની થેલીઓ સળગાવવામાં આવે તો પણ તે સંપૂર્ણ નષ્ટ થતી નથી અને પ્રદૂષણ ફેલાય છે. વન ટાઈમ યૂઝ (50 માઈક્રોનથી ઓછી) પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો રેલવેએ આદેશ આપ્યો છે. સ્ટેશન પર તેમજ સ્ટોલ ધારકો અને વેન્ડરોને પણ આ અંગે જરૂરી સૂચના આપવામાં આવી છે. જો વેન્ડરો તેમજ પેસેન્જરો આ સૂચનાનો અમલ નહીં કરે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.
સ્ટેશન પર તેમજ ટ્રેનમાં પાણીની બોટલનો ઉપયોગ કર્યા બાદ પેસેન્જરો બોટલ જ્યાં ત્યાં ફેકી દે છે. આ બોટલ જ્યાં ત્યાં ફેંકવાના બદલે બોટલ ક્રશિંગ મશીનમાં નાખવામાં આવે તે માટે તમામ સ્ટેશન પર બોટલ ક્રશિંગ મશીન લગાવવામાં આવશે. અમદાવાદ સ્ટેશનના કોન્કોર એરિયામાં, પ્લેટફોર્મ નંબર 1 સહિત તમામ પ્લેટફોર્મ પર બોટલ ક્રશિંગ મશીન લગાવવામાં આવશે.