મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 28 જૂન 2021 (09:31 IST)

AMA ખાતે અનોખા ‘ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમી’નું ઉદઘાટન, PM એ કહ્યું 'જાપાનમાં જે 'ઝેન' છે એ ભારતમાં 'ધ્યાન' છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે  પ્રતિષ્ઠત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના સંકુલમાં અનોખા ‘ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમી’નુ વર્ચ્યુઅલી ઉદઘાટન  કર્યું હતું. 
 
ઈન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન (IFJA), ગુજરાતના પ્રેસીડેન્ટ અને એએમએ ખાતે જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટરના  સ્થાપક મુકેશ પટેલે જણાવ્યું હતું કે એએમએ ખાતે ‘ઝેન ગાર્ડન -કૈઝન એકેડેમી’ “નુ નિર્માણ એ જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર અને આઈજેએફએનુ અનોખુ સર્જન છે, જેને હ્યોગો ઈન્ટરનેશનલ એસોસેશન (HIA),જાપાનનો સહયોગ પ્રાપ્ત થયો છે. એને પદ્મા જયકૃષ્ણ જાપાનીઝ ઝેન ગાર્ડન એવુ નામ આપવામાં આવ્યું છે. તેની મારફતે ‘હંમેશાં  ઉત્કૃષ્ટતા માટેની ભાવના’ ધરાવતા જાપાનીઝ સોફટ સ્કીલ અને બિઝનેસ કલ્ચરની ભાવના વ્યક્ત કરાઈ છે. ”
 
ઈકોનોમિક કો-ઓપરેશન કાઉન્સિલ, આઈએફજેએના ચેરમેન અને કેએચએસ મશિનરી લિ.ના એમડી યતિન્દ્ર શર્માએ માહિતી આપી હતી કે એએમએ ખાતે ‘કેએચએસ મશિનરી -કૈઝન એકેડેમી’ના કૈઝન હૉલનુ ઝગમગાટ ધરાવતુ વાતાવરણ ધરાવતા અને ઉત્કૃષ્ટ સુંદરતા ધરાવતુ ઝેન કૈઝન પરંપરાગત જાપાનીઝ  ઝેન ગાર્ડન જાપાનની કલા અને સંસ્કૃતિનાં વિવિધ  અંશ દર્શાવતાં જાપાનનાં સુંદર કુદરતી દ્રશ્યો અને સ્થાપત્યનો ઝમકદાર રંગોમાં પરિચય કરાવે છે.”
એએમએના વાઈસ પ્રેસીડેન્ટ દિવ્યેશ રાડીયાએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે “હ્યોગો પરફેકચરલ ગવર્નમેન્ટના હ્યોગો ઈન્ટરનેશનલ એસોસિએશને અમદાવાદ મેનેજમેન્ટ એસોસેશનને ગાર્ડન પ્રોજેકટ માટે કલાત્મક અને સુશોભિત આવાજી ટાઈલ્સના શિપમેન્ટની ગાર્ડન પ્રોજેકટની ફરસ, ગજેબો અને દિવાલો  માટે ભેટ આપી છે, જેને હ્યોગો ગુજરાત ફ્રેન્ડશિપ મિશનને આગળ ધપાવવા માટેનો ઉદાર સંકેત માનીએ છીએ”.
 
ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીના લોકાર્પણને ભારત-જાપાન સંબંધોમાં સુગમતા અને આધુનિકતાના પ્રતીક તરીકે ગણાવતા પ્રધાનમંત્રીએ હ્યોગો પ્રિફેક્ચરના નેતાઓ, ખાસ કરીને ગવર્નર ટોશિઝોલ્ડો અને હ્યોગો ઇન્ટરનેશનલ એસોસિયેશનનો ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીની સ્થાપનામાં એમના યોગદાન બદલ આભાર માન્યો હતો. તેમણે ભારત જાપાન સંબંધોને નવી ઉર્જા આપવા બદલ ગુજરાતના ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશનની પણ પ્રશંસા કરી હતી.
‘ઝેન’ અને ભારતીય ‘ધ્યાન’ વચ્ચેની સમાનતાઓ તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રી બેઉ સંસ્કૃતિઓમાં બાહ્ય પ્રગતિ અને વિકાસની સાથે આંતરિક શાંતિ અંગેના ભાર પર લંબાણપૂર્વક બોલ્યા હતા. ભારતીયોને જમાનાથી યોગ મારફત જે શાંતિ, સ્વસ્થતા અને સરળતાનો અનુભવ થાય છે એ જ શાંતિ, સ્વસ્થતા અને સરળતાની ઝલક એમને આ ઝેન ગાર્ડનમાં પણ જોવા મળશે. બુદ્ધે આ ‘ધ્યાન’, આ બોધ વિશ્વને આપ્યું, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. એવી જ રીતે, પ્રધાનમંત્રીએ કાઇઝેનનો બેઉ બાહ્ય અને આંતરિક અર્થ ઉજાગર કર્યો હતો જે માત્ર ‘સુધારણા’ પર જ નહીં પણ ‘સતત સુધારણા’ પર ભાર આપે છે.
પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે તેમણે, ગુજરાતના વહીવટીતંત્રમાં કાઇઝેન પર ભાર મૂક્યો હતો. 2004માં ગુજરાતમાં વહીવટી તાલીમમાં એ દાખલ કરાયું હતું અને 2005માં ટોચના સરકારી અમલદારો માટે વિશેષ તાલીમ શિબિર પણ યોજવામાં આવી હતી. ‘સતત સુધારણા’ પ્રક્રિયાઓના શિષ્ટાચારમાં પ્રતિબિંબિત થાય છે જે શાસન પર હકારાત્મક અસર તરફ દોરી જાય છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ ગુજરાતનો કાઇઝેન સંબંધી અનુભવ પીએમઓ અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોમાં લઇ આવ્યા હતા. આનાથી કચેરીઓની જગાઓનો મહત્તમ ઉપયોગ અને પ્રક્રિયાનું સરળીકરણ થયું.  કેન્દ્ર સરકારના ઘણા વિભાગો, સંસ્થાઓ અને યોજનાઓમાં કાઇઝેનનો ઉપયોગ થઇ રહ્યો છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
 
પ્રધાનમંત્રીએ જાપાન સાથેના એમના અંગત જોડાણ અને જાપાનના લોકોના સ્નેહ, એમની કાર્ય સંસ્કૃતિ, કુશળતા અને શિસ્તની એમની પ્રશંસા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ એમનું એ પ્રતિપાદન કે ‘હું ગુજરાતમાં મિની-જાપાન સર્જવા માગું છું’ એમાં મુલાકાતી જાપાનીઝ લોકોની આકાંક્ષાઓની ઉષ્ણતાનો મુખ્ય ભાવ રહેલો છે.
 
પ્રધાનમંત્રી વર્ષોથી ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’માં જાપાનના ઉત્સાહભેર ભાગ લેવા પર બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઑટોમોબાઇલ, બૅન્કિંગથી લઈને બાંધકામ અને ફાર્મા સહિતની 135થી વધુ કંપનીઓએ ગુજરાતને એમનું મથક બનાવ્યું છે. સુઝુકી મોટર્સ, હૉન્ડા મૉટરસાયકલ, મિત્શુબિશી, ટોયેટા, હિટાચી જેવી કંપનીઓ ગુજરાતમાં ઉત્પાદનમાં સંકળાયેલી છે. તેઓ સ્થાનિક યુવાનોના કૌશલ્ય વિકાસમાં યોગદાન આપી રહી છે. 
ગુજરાતમાં, ત્રણ જાપાઅન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ફોર મેન્યુફેક્ચરિંગ ટેકનિકલ યુનિવર્સિટીઓ અને આઇઆઇટીઓ સાથે જોડાણ કરીને સેંકડો યુવાઓને કૌશલ્ય તાલીમ આપી રહી છે. વધુમાં, જેટ્રો (JETRO) નું અમદાવાદ બિઝનેસ સપોર્ટ સેન્ટર એક સાથે પાંચ સુધીની કંપનીઓને પ્લગ એન્ડ પ્લે વર્ક સ્પેસ ફેસેલિટી પૂરી પાડી રહ્યું છે. આનાથી ઘણી જાપાનીઝ કંપનીઓ લાભાન્વિત થઈ છે. પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે રસપ્રદ રીતે, એક અનૌપચારિક ચર્ચામાં તેમને થયું કે જાપાનના લોકોને ગોલ્ફ પસંદ છે. 
 
મિનિટની વિગતો તરફ ધ્યાન આપવાની બાબત તરીકે, તેમણે ગુજરાતમાં ગોલ્ફ સુવિધાઓ સુધારવા માટે વિશેષ પ્રયાસો કર્યા હતા. એ વખતે, ગુજરાતમાં ગોલ્ફ કોર્સ બહુ સામાન્ય ન હતા. આજે ગુજરાતમાં ઘણાં ગોલ્ફ કોર્સીસ છે. એવી જ રીતે, ગુજરાતમાં જાપાનીઝ રેસ્ટોરન્ટ્સ અને જાપાનીઝ ભાષાનો પણ પ્રસાર થયો છે એવી માહિતી પ્રધાનમંત્રીએ આપી હતી.
 
પ્રધાનમંત્રીએ જાપાનની શાળા પ્રણાલિ પર આધારિત ગુજરાતમાં એક મોડેલ સ્કૂલ્સ સર્જવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. જાપાનની સ્કૂલ સિસ્ટમમાં આધુનિકતા અને નૈતિક મૂલ્યોનું મિશ્રણ છે એની એમની પ્રશંસા પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે ટોકિયોમાં તાઇમેઇ એલિમેન્ટરી સ્કૂલની એમની મુલાકાતને ભાવનાશીલ રીતે યાદ કરી હતી.
જાપાન સાથેના એમના અંગત સમીકરણોનો સ્પર્શ કરતા, પ્રધાનમંત્રીએ જાપાનનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિઝો આબેની ગુજરાતની મુલાકાતને યાદ કરી હતી. આ મુલાકાતે ભારત જાપાન સંબંધોને નવો વેગ આપ્યો હતો. તેમણે હાલના જાપનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે એમની સમાન માન્યતાઓ પર છણાવટ કરી હતી. મહામારીના આ સમયમાં ભારત-જાપાન મૈત્રી વશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે વધારે અગત્યની બની છે. હાલના પડકારોની માગ છે કે આપણી મૈત્રી અને ભાગીદારી વધુ ગાઢ બને, એમ પ્ર્ધાનમંત્રીએ ભાર મૂક્યો હતો.
 
નરેંદ્ર મોદીએ કાઇઝેન અને જાપાનીઝ કાર્ય સંસ્કૃતિના ભારતમાં વધુ પ્રસાર માટે અનુરોધ કર્યો હતો અને ભારત અને જાપાન વચ્ચે વેપાર વાતચીત પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. નરેંદ્ર મોદીએ જાપાન અને જાપાનના લોકોને ટોકિયો ઑલિમ્પિક માટે એમની શુભકામનાઓ પાઠવી હતી.
 
ઝેન ગાર્ડન રેડ બ્રીજ ગુઝેઈ, શોજી ઈન્ટીરિયર, ગ્લોરી ઓફ તોરી થ્રીડી આર્ટ મ્યુરલ ફ્યુઝન ચબુતરો જેવાં કેટલાંક પરંપરાગત જાપાનીઝ રોમાંચક અંશ ધરાવે છે. એમાં કોઈનબોરી, ટાકી વૉટરફૉલ સુકુબાઈ બેસીન, કીમોનો સ્ક્રોલ જેવી લોકપ્રિય બાબતોનો સમાવેશ કરાયો છે અને તે કૈઝન હોલમાં બેકલીટ નિહોંગો પેઈન્ટીંગ મારફતે સુશોભન કરાયુ છે, જે જોવાલાયક છે. ગાર્ડનની આસપાસ યોસોકો બોનસાઈ પ્લાન્ટેશન કરવામાં આવ્યુ છે.
 
આ પ્રસંગે હ્યોગો પરફેકચરના માનનિય ગવર્નર તોશીઝો ઈડો, ગુજરાતના માન. નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ  અને ભારત ખાતેના જાપાનના ભૂતપૂર્વ એમ્બેસેડર સુજન આર શિનોય  હાજર રહયા હતા. આ પ્રસંગે શુભેચ્છા પાઠવનાર મહાનુભવોમાં જાપાનમાં ભારતના એમ્બેસેડર સંજય કુમાર વર્મા અને વિદેશ મંત્રાલય,દિલ્હીના એડવાઈઝર (જાપાન) અશોક કુમાર ચાવલાનો સમાવેશ થાય છે .