1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (11:05 IST)

પોલીસનું જાહેરનામું- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં માત્ર બે કલાક ફટાકડા ફોડી શકાશે

Fire crackers
એક તરફ કોરોનાકાળને કારણે છેલ્લાં બે વર્ષથી દરેક તહેવારની મજા બગડી છે. ત્યારે આ વખતે કોરોનાનું સકંટ ઓછું થતાં લોકો તહેવારની મજા માણવાની તૈયારીઓ કરી રહ્યાં છે. એવામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ફટાકડા ફોડવા અંગે ખાસ ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. જેને કારણે લોકો અવઢવમાં મુકાયા છે. રાજ્યમાં સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા અને રંગીલા શહેર તરીકે જાણીતા રાજકોટમાં તંત્રએ આ ફરમાન આપ્યું છે.

વડોદરામાં દિવાળીના પર્વને લઈ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસ કમિશનરે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં રાત્રના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.દિવાળીના આડે હવે ગણતરીના દિવસ જ બાકી રહી ગયા છે. દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. આ દરમિયાન વડોદરા જિલ્લામાં દિવાળીના પર્વને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં. PESO સંસ્થા માન્ય ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. આ જાહેરનામું 21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધીનું અમલમાં રહેશે.આ ઉપરાંત રાજકોટ અધિક કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.

અધિક કલેક્ટર કે.બી ઠક્કર દ્વારા પ્રદુષણ રોકવા માટે નિર્ણય લેવાયો છે. સાથે જ અધિક કલેક્ટરના જાહેરનામામાં ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે રાખી શકાશે નહીં અથવા વેચાણ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરાશે. રાજકોટ અધિક કલેક્ટરના જાહેરનામા મુજબ, નેશનલ હાઈવે - 8(બી) પર આવેલા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તથા મેટોડા જી.આઈ.ડી.સી વિસ્તારની 500 મીટરની હદમાં તથા જ્વલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં દારૂખાનું કે ફટાકડા ફોડવા નહીં. આ ઉપરાંત હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર,  શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અહીં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું 9 નવેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ દિવાળીના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ શહેરમાં રાત્રિના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. સાથે જ ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.