સિદ્ધપુરમાં આંગડિયા પેઢીનો માલિક લૂંટાય તે પહેલાં પોલીસે 6 શખ્સોને પકડી લીધા
Police nabbed 6 men before robbing owner of Angadia firm in Siddpur
ગુજરાતમાં આંગડિયા પેઢીના કર્મચારીઓની સાથે થતી લૂંટના બનાવો વધી રહ્યાં છે. સિદ્ધપુરમાં આંગડિયા પેઢીના માલિકની આંખમાં મરચાની ભૂકી નાંખીને 35 લાખ લૂંટવાના ઈરાદે આવેલા 6 શખ્સોને લૂંટ ચલાવે તે પહેલાં જ પોલીસે ઝડપી લેતાં લાખોની લૂંટનો ગુનો થતાં અટક્યો છે.
સિદ્ધપુર પોલીસે આ છ શખ્સો પાસેથી વાહનો અને અન્ય સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે સિધ્ધપુર પીઆઈ અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સિધ્ધપુર ગંજ બજારના ગેટ પાસે આવતા બાતમી મળી હતી કે, સિધ્ધપુર ગંજ બજારમાં HM આંગડીયા પેઢી નજીક વેગેનાર ગાડી તથા પલ્સર મોટર સાયકલ સાથે કેટલાક શખ્સો લૂંટ કરવાના ઇરાદે તૈયારીમાં ઉભા છે. બાતમી વાળી જગ્યાએ પોલીસે પહોંચીને તપાસ કરતાં વેગેનાર ગાડી તથા પ્લસર મોટર સાયકલ સાથે છ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. વાહનોની ઝડતી કરતાં ઘાતક હથિયારો તથા મરચાની સુકી ભૂકી મળી આવી હતી. પોલીસે શંકાસ્પદ શખ્સોની પુછપરછ કરતાં કિશનસિંહ દરબાર નામનો શખ્સ સિધ્ધપુરનો રહેવાસી છે અને HM આગડીયા પેઢીની તથા તેના માલીકના રહેણાંક મકાન સુધી અવાર નવાર રેકી કરતો હતો. પેઢીના શેઠ સાંજના સાતેક વાગ્યાની આસપાસ છેલ્લે બચેલ પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા ગાડીમાં લઇ જતાં હોવાની ટીપ મેળવી અન્ય સાગરિતોને આપતાં બધા ભેગા મળી પ્લાનીંગ કરી HM આંગડીયા પેઢીના શેઠની આંખોમાં મરચાની ભુકી નાખી ધાતક હથિયારોનો ઉપયોગ કરી 35 લાખ રૂપિયાની લૂંટ કરવાના ઇરાદે આવ્યા હતાં. સિદ્ધપુર DySpએ જણાવ્યું હતું કે 6 આરોપી HM આંગડીયા પેઢીના માલીકની રેકી કરી તેને આંતરી લૂંટ કરવાની ફિરાકમાં હતા જોકે પોલીસે 6 આરોપીને બાતમીના આધારે ઝડપી પડ્યા છે.