મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (16:31 IST)

ભાવનગરની મહિલા કોલેજનાં આચાર્યએ વિદ્યાર્થિનીઓને ભાજપના સભ્ય બનવા આદેશ કર્યો, રાજીનામું આપવું પડ્યું

ભાવનગરની ગાંધી મહિલા કોલેજના આચાર્યએ તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. આ અભિયાન માટે વિદ્યાર્થીઓને ફરજીયાત કોલેજ આવવા જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈ આવવા જણાવ્યું હતું. જેને લઈ વિવાદ ઉભો થયો હતો. જોકે, આ અંગે આચાર્યને પોતાની ભુલ સમજાતા તેઓએ સામેથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાને લઈ શહેર કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધી હતી.શહેરમાં શ્રીમતી ન.ચ.ગાંધી અને ભા.વા ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના આચાર્યએ ગત તારીખ 24 જૂન 2022ના રોજ એક નોટિસ જાહેર કરી હતી. જેમાં વિદ્યાર્થીઓને ભાજપના પેઇઝ કમિટીમાં સભ્ય બનવા આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઈ વિવાદ શરૂ થયો હતો અને ભાવનગરનું રાજકારણ ગરમાયું હતું. આ નોટિસમાં વિદ્યાર્થીઓને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા મોબાઈલ ફોન પણ ફરજીયાત લાવવો તેમ જણાવ્યું હતું. કોલેજમાં મોબાઈલ પર પ્રતિબંધ છે જેનો પણ સરે આમ ઉલ્લંઘન કરાયું હતું.

કોલેજના ટ્રસ્ટી ડોક્ટર ધીરેન વૈષ્ણવએ જણાવ્યું હતું કે, આચાર્યને કોઈનો દોરી સંચાર હતો અને તેમને કોમ્પ્યુટરમાં લખાણ કરીને તેનો ફોટો પાડીને માત્ર સોશિયલ મીડિયા મારફત વિદ્યાર્થીનીઓને મોકલવામાં આવ્યો છે. તેમને વ્યક્તિગત આ કામ કર્યું છે અને તેમનાથી આ ભૂલ થઈ ગઈ છે. જેને લઈ તેઓએ સામેથી રાજીનામું મૂકી દીધું છે. જોકે, આ અજુગતા થઈ ગયું હોય અને શૈક્ષણિક સંકૂલને રાજકીય રંગ ન લાગે તેની અમે તકેદારી લીધી છે.આ સમગ્ર મામલાને લઈ કૉંગ્રેસે ભાજપને આડે હાથે લીધી હતી. ભાવનગર શહેરની મહિલા કોલેજ સર્કલમાં આવેલી વર્ષો જૂની ગાંધી મહિલા કોલેજ ટ્રસ્ટ સંચાલિત છે. પહેલા મુંબઇ યુનિવર્સીટી સંલગ્ન હતી અને હવે ભાવનગર યુનિ. સંલગ્ન બની છે. કોલેજના આચાર્યએ સોશિયલ મીડિયામાં એક પત્ર વિદ્યાર્થીનીઓને મોકલ્યો હતો અને તેમાં ભાજપની પેઝ કમિટીમાં જોડાવા સીધો આદેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંકુલમાં રાજકીય સિધી દોરીની પ્રવૃત્તિથી ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.