ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (14:19 IST)

‘રઈસ’ની અંધાધૂંધીઃ રેલવે ડીઆરએમના તપાસના આદેશ

ફિલ્મ ‘રઇસ’ના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી સુધી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચેલા શાહરુખ ખાનને જોવા હજારો ચાહકોની ભીડ ઊમટી હતી, જેમાં ધક્કામુક્કી દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે જીઆરપીના બે જવાનને પણ ઇજા થઇ હતી. આ ઘટના અંગે બરોડા ડિવિઝનના ડીએરએમએ તપાસના આદેશ આપ્યા છે. રેલવે ડીઆરએમ અમિતકુમાર સિંઘે જણાવ્યું હતું કે શાહરુખ ખાનના કોચ આગળ ભીડ જમા થઇ ગઇ હતી. ટ્રેન ઉપડી તે સમયે પ્રશંસકો ટ્રેનની પાછળ દોડ્યા હતા, જેને જીઆરપી અને આરપીએફના જવાનોએ રોક્યા હતા. આ ધક્કામુક્કી દરમિયાન એક વ્યક્તિ બેભાન થઇ ગઇ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. હાર્ટએટેક દ્વારા તેનું મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. જીઆરપીના બે જવાનો પણ બે‍ભાન થઇ ગયા હતા. ઘટના અંગે આરપીએફ અને જીઆરપી પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. બરોડા રેલવે પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે શાહરુખ ખાનનો કોચ પ્લેટફોર્મ પર સીડીના પગથિયાં પાસે જ હતો, જેના કારણે ભીડ વધુ જમા થઇ અને ધક્કામુક્કી થઇ હતી. રેલવેએ ૧૩ આરપીએફ અને એક એસઆરપીનો જ બંદોબસ્ત માગ્યો હતો. આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા હોવાની જાણકારી પોલીસને ન હતી.ડીઆરએમએ વધુમાં જણાવ્યું હતું કે બે કલાક અગાઉ પ્લેટફોર્મ ટિકિટ આપવાનું બંધ કરી દેવાયું હતું છતાં પ્લેટફોર્મ પર લોકોની ભીડ ઊમટી હતી. ટ્રેનની પાછળ લોકો દોડ્યા બાદ આ ઘટના બની હતી. હાલમાં આ અંગે તપાસના આદેશો આપી દેવાયા છે.