1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 એપ્રિલ 2024 (17:10 IST)

ગુજરાતમાં વરસાદની આગાહી:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનનો પારો નીચો આવશે

weather update
હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત પાંચ દિવસ રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને અગાઉથી જાણકારી આપવામાં આવી છે. ઉપરાંત તાજેતરમાં રાજ્યનું વાતાવરણ વાદળછાંયું અને ગરમીનું પ્રમાણ પણ ઓછું છે. વેસ્ટન ડિસ્ટર્બન્સથી તાપમાનનો પારો નીચો આવશે. અમદાવાદમાં વાદળછાંયું વાતાવરણ રહેશે.

આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનમાં વધારાની શક્યતા નહીંવત છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું હોવાથી તાપમાનનો પારો ઝડપથી નીચે આવી શકે છે. પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં થોડા અંશે વધારો થઈ શકે છે.આગામી 10 અને 11 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની વકી છે. જેને લઈને હવામાન વિભાગે 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા જેમ કે, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 11 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, જિલ્લામાં સામાન્ય છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ રાજ્યભરમાં તાપમાન યથાવત્ અને શુષ્ક રહેવાની સંભાવના છે. આગામી 48 કલાક અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાંયું વાતાવરણ રહેવાની શક્યતા છે. પરંતુ આ વાદળોથી વરસાદની શક્યતા નહીંવત્ છે, પરંતુ આગામી 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે. મહત્ત્વનું છે કે 10 એપ્રિલના રોજ ઉત્તર ભારતના પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, જેની અસરને કારણે ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈને 10 અને 11 એપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.