ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2019 (16:58 IST)

ગુજરાતમાં કચ્છ અને દક્ષિણના અનેક વિસ્તારોમાં માવઠું, બે દિવસની આગાહી

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. નર્મદાનાં સાગબારા અને ડાંગ-વઘઇ તાલુકામાં અનેક જગ્યાએ માવઠું થયું હતું. ખેડૂતોનાં ઊભા પાક અને કેરીનાં પાકને નુકસાન થવાની ભીતીથી તેઓની મુશ્કેલી વધી ગઇ હતી. રવિવારે અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. અમદાવાદમાં ગરમીથી ચક્કર ખાઈને પડી જવાના 37 કેસ નોંધાયા હતા. 108ના આંકડા મુજબ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં છેલ્લા 24 કલાકમાં 156 લોકોને ગરમીની અસર થઈ હતી.હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથેનો ટ્રફ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા સુધી લંબાઇ ગયો છે. ટ્રફની જમણી બાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેના કારણે રાજ્યમાં 14મી તારીખથી 17મી સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.નવસારી જિલ્લાના વાંસદામાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે. વાંસદામાં માવઠું થતા વરસાદી માહોલથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાને કેરીના પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ છે. આ ઉપરાંત સોનગઢ વિસ્તારમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે. ગતરોજ રાત્રી દરમ્યાન વરસાદી છાટા પડ્યા હતાં. આખા દિવસમાં વરસાદ પડવાની શક્યતા પણ સેવાઇ રહી છે. આ સાથે કરછ ગાંધીધામ ભુજ સહિત કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વાતવરણ પલટાયું છે. અચાનક ભારે પવન ફૂંકાતા વાતવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. કંડલામાં અને આસપાસના વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાયો હતો.