સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જુલાઈ 2020 (12:48 IST)

આગામી ત્રણ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં મોન્સૂન ટ્રફને લીધે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, જેને પગલે આગામી 3 દિવસો દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મોન્સૂન ટ્રફ બનતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, જેથી આગામી 3 દિવસો દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે.રવિવારે અમદાવાદમાં દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે છૂટાછવાયા વરસાદની ઝાપટાં પડ્યાં હતાં. રવિવારે રાત્રિથી લઇને બુધવાર સુધી આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણની સાથે સૌરાષ્ટ્ર કચ્છનાં ગીર-સોમનાથ, પોરબંદર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી છે. વલસાડ જિલ્લામાં શનિવારે રાત્રે 10થી રવિવારે સાંજે 6 સુધીના ગાળા દરમિયાન ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ થયો હતો. આ તાલુકામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ,વાપી, પારડી,કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. ભાવનગર એન વડોદરામાં પણ રવિવારે વરસાદ થયો હતો. વલભીપુરમાં બે ઈંચ, ઉમરાળા અને તળાજા પંથકમાં એક ઇંચ જ્યારે વડોદરામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.