સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 2 ઑગસ્ટ 2021 (10:59 IST)

Rain Gujarat - જુલાઈ મહિનામાં ગુજરાતમાં સરેરાશ 6.92 ઈંચ વરસાદ, 5 ઓગસ્ટ સુધી તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની જમાવટ થયા બાદ હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિના દરમિયાન સરેરાશ 6.92 ઈંચ વરસાદ રાજ્યમાં થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસ કરતાં 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં દાહોદ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, મહિસાગર, નવસારી, વલસાડ અને તાપી સહિત 22 જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે. રાજ્યના 18 તાલુકામાં અત્યાર સુધીમાં માત્ર 50 ટકાથી વધુ વરસાદ થયો છે.ડાંગ જિલ્લામાં મેઘમહેરનું તાંડવ હળવુ થતા ગિરિમથક સાપુતારા સહિતનાં અન્ય પ્રવાસન સ્થળોએ કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા માટે પ્રવાસીઓનો ધસારો નોંધાયો હતો.ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાની ધબધબાટી ધીમી બની છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ક્યાંય ઝરમરીયો વરસાદ તો ક્યાંક ઝાપટા સ્વરૂપનો વરસાદ પડતા હાલમાં સમગ્ર પંથકોનું જનજીવન થાળે પડ્યું છે. ડાંગમાં વરસાદી માહોલ ધીમો પડતા પાણીથી ધસમસતા નદી-નાળા અને વહેળાઓ શાંત ગતિમાં વહી રહ્યાં છે.રાજ્યમાં ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં તેમજ નર્મદાના તિલકવાડ, રાજકોટના લોધિકા, ધોરાજી, જામનગરના કાલાવડ, ભાવનગરના ગારિયાધાર, કચ્છના ભુજ, વડોદરાના પાદરા, ગીર-સોમનાથના વેરાવળ, નવસારીના ખેરગામ, ભરૂચના અંકલેશ્વર, નવસારીના નવસારી, સુરતના મહુવા, બોટાદ તાલુકામાં અને બનાસકાંઠાના દાંતા તાલુકામાં સીઝનના એવરેજ વરસાદની સરખામણીએ 50 ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો છે. બીજી તરફ બનાસકાંઠાના લાખણી, થરાદ, વાવ તેમજ ખેડાના ઠાસરા, પાટણના સાંતલપુર, રાજકોટના વીંછિયા અરવલ્લીના ભિલોડા તાલુકામાં 15 ટકા પણ વરસાદ નથી.