શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 24 જૂન 2019 (11:43 IST)

ગુજરાતમાં વરસાદી માહોલ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં અસહ્ય બફારા બાદ અમદાવાદ, સુરત શહેર સહિત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સવારથી છેલ્લા 4 કલાકમાં તાપી જિલ્લાના નિઝરમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના નિઝરમાં 48 મિમિ નોંધાયો હતો. જ્યારે તાપી જિલ્લાના સોનગઢમાં 2 મિમિ, કુકરમુંડામાં 3 મિમિ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં જેલ્લા 24 કલાકમાં આહવામાં 3 મિમિ અને સુબીરમાં 6 મિમિ વરસાદ નોંધાયો હતો. રવિવારે સવારથી બફારા અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આ‌વ્યો હતો. રવિવારે રાત્રે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. જો કે, રવિવારે રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. રાજ્યમાં ગાંધીનગર 40.0 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 38. 8 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં લોકોએ દિવસ દરમિયાન ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 26થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધશે, જેથી વાતાવરણમાં ઠંડક વધતાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડશે. હાલમાં રાજ્યનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ગરમી પણ યથાવત્ છે. જેને કારણે સોમવારથી રાજ્યનાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રનાં લઇને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં ભાગમાં સોમવારથી ચોમાસુ બેસી જવાની પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં વરસાદની સિઝન દરમિયાન 750.0 મીમી વરસાદ પડતો હોય છે. 18 વર્ષમાં 2017માં સૌથી વધુ 1163.5 મીમી વરસાદ નોંધાયો હતો.