બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (12:17 IST)

સીએમ રૂપાણીના ગઢમાં ભાજપે કરી કોંગ્રેસ વાળી ! રાજકોટ તાલુકો અછતગ્રસ્ત જાહેર કરવા ભાજપની રેલી

વિશ્વના સૌથી મોટા સંગઠન બનાવવાની લ્હાયમાં હવે ભાજપનું કદ એટલું વધી ગયુ છે કે પક્ષમાં તળીયે શું થાય છે તેની ઉપરના નેતાઓને ખબર પડતી નથી. અત્યાર સુધી ભાજપના શાસનમા વિરોધ પક્ષો આંદોલન કરતાં મીડિયા લોક સમશ્યાઓ ઉજાગર કરતી હતી, તેને સામાન્ય વિરોધ તરીકે લેવા માટે રીઢા થઇ ગયેલા નેતાઓને હવે ખુદ પોતાના પક્ષના જ નેતાઓ અને કાર્યકરોના જાહેર વિરોધ,રેલીઓ અને આવેદન આપવાનો નવતર અનુભવ થવા માંડયો છે. મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં રાજકોટ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માગણી સાથે જિલ્લા કલેકટરને રેલી સ્વરુપે વિરોધ સાથે આવેદન આપવામાં આવ્યુ હતું. તેનું નેતૃત્વ ભાજપના રાજકોટ તાલુકા પંચાયતના પીઢ નેતા ઘોઘુભા જાડેજા, તાલુકા પંચાયતના ભાજપના સદસ્યો અને ભાજપ સમર્થીત ગ્રામપંચાયતોના સરપંચોએ કર્યુ હતું.આ અંગેની વિગત એવી છે કે રાજકોટ તાલુકા ખેડૂત મંડળના નામે આજે સવારે જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો અને ભાજપના નેતાઓ પહોંચી ગયા હતાં. ઘોઘુભા જાડેજા વગેરેએ કલેકટરને આપેલા આવેદનમાં જણાવયુ હતું કે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામા ર૦૧૮-૧૯માં ખુબ જ ઓછા પ્રમાણમા વરસાદ થયેલ છે. જેના કારણે ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ થયો છે. જેના કારણે ખેડૂતોનું વાવેતર માલ ઢોર માટે ઘાસચારાની સમશ્યા થઇ છે. આ કારણે રાજકોટ તાલુકાને તાત્કાલીક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવા માગણી કરી હતી. કારણ કે તાલુકો અછતગ્રસ્ત જાહેર થાય તો જ ખેડૂતોને સો ટકા પાકવીમો મળે.ભાજપના નેતાઓએ ભાજપની સરકાર વિરુધ્ધ આક્ષેપ કર્યો છે કે, અમુક નદી કાંઠાના વિસ્તારમાં પિયત થયેલ હોઇ તેવુ વાવેતર વિસ્તારમાં જાણી જોઇને વીમા અધિકારીઓ ક્રોપકટીંગના નમુના ભેગા કરી ખેડૂતોને બાકીના ખેડૂતોને અન્યાય કરે છે. વરસાદ ન પડવાથી નર્મદાનું પાણી પણ છેવાડાના વિસ્તારમાં ન આવતું હોવાથી છેવાડાના વિસ્તારમા ટેન્કરો શરૂ કરવા ગાડાઓના સરપંચોએ માગણી કરી છે. આમ અત્યાર સુધી સબસલામતની વાત કરતાં તંત્ર અને કોંગ્રેસની રજૂઆતોને ધ્યાને નહી લેનાર તંત્રને હવે ભાજપમાંથી જ વિરોધનો સામનો કરવો પડ્યો છે.