ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (15:55 IST)

Rajkot News - રાજકોટના 17મા ઠાકોર સાહેબને વસંત પંચમીના દિવસે કરાશે રાજતીલક, 31 નદીના જળ, 100 ઔષધીનો થશે ઉપયોગ

રાજકોટમાં તા. 27મી જાન્યુઆરી તા. 30 જાન્યુઆરી દરમિયાન વસંત પંચમીના દિવસે રાજકોટના રાજવી પરીવારના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાર્સિંહજી જાડેજાનો રાજયભિષેક કરવામાં આવશે. રાજતિલક બાદ ગાદી સંભાવ્યા બાદ રાજવી પરીવાર દ્વારા અમૂલ્ય ભેટ આપવામાં આવશે. 
27 જાન્યુઆરીથી વિવિધ કાર્યક્રમની શરૂઆત થશે. 27મી જાન્યુઆરીએ સાંજે 4 થી 6 દેહ શુધ્ધિ, દશવિધિ સ્નાન, વિશ્ર્ણુ પૂજન, પ્રાયશ્ર્ચિત વગેરે વિધિ થશે. તા. 28ને મંગળવારે સવારે 9 થી 1 દરમિયાન માતૃકા પૂજન, ચતુર્વેદ શાંતિ સુકત, અરણી મંથન દ્વારા અગ્નિ સ્થાપન અને યજ્ઞનો આરંભ કરાશે. 28મીએ બપોરે 12 થી 2 દરમિયાન ક્ષત્રીય દીકરા-દીકરીઓના તલવાર રાસ યોજાશે.
 
તા.28થી શરૂ થનારા કાર્યક્રમ અંગે માહિતી આપતા માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિલીનીકરણ બાદ દેશમાં આવડા મોટા ફલક પર તિલકવિધિ થઇ હોય તેવી આ પ્રથમ ઘટના બની રહેશે. તિલકવિધિ એ માત્ર રાજપરિવારનો નહીં પરંતુ રાજકોટના લોકોનો પ્રસંગ છે, યજ્ઞની ઊર્જા, નગરયાત્રા અને જલયાત્રાથી શહેરીજનોને ફાયદો થશે.
 
28મીએ બપોરે 3 થી 6 દરમિયાન રણજિત વિલાસ પેલેસના પરિસરમાં એક તરફ મહાયાગના મંત્રોનો પ્રધાન હોમ જળયાત્રા, સાય પૂજન, ચાલી રહ્યા હશે ત્યારે બપોરે 3-30 થી 6-30 ઠાકોર સાહેબની નગર યાત્રા (અહીં સાથે આપેલા રૂટ પર) નીકળશે અને ઠાકોર સાહેબ રાજકોટના નગરજનોનું અભિવાદન ઝીલશે. આ ભવ્ય નગરયાત્રામાં સંતો-મહંતો, રાજકોટના ભાયાતો, રાજ પરિવારના સૌ સદસ્યો મોટી સંખ્યાંમાં જોડાશે. ઉપરાંત વિન્ટેજ કાર, બગીનો પણ મોટો કાફલો રહેશે.
બુધવારે તા. 29મીએ સવારે 8-30 થી 1 દરમિયાન પણ ચારેય વેદોના મંત્રો સાથે યજ્ઞ હોમવિધિ થશે. બપોરે 3 થી 6-30 દરમિયાન જગત કલ્યાણના સુખ-શાંતિ માટે પુષ્ટિહોમ વિધી થશે. વિવિધ ઔષધિઓ, તીર્થજળો, રક્ષામંત્રો દ્વારા ઠાકોર સાહેબ પર અભિષેક થશે. 29મી તા. સાંજે 6-30 થી 9-30 દરમિયાન જયોતિપર્વ એટલે કે દીપમાળા યોજાશે જેમાં આશરે સાત હજાર દીપ રાજકોટના સર્વ સમાજના ત્રણશો થી વધારે લોકો પ્રગટાવશે દીપ થકી રાજકોટ રાજયનું રાજચિહ્ન બનાવશે.
 
જયારે વસંત પંચમીના પવિત્ર એટલે કે તા. 30મી જાન્યુઆરીએ ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં રાજયાભિષેક અને રાજતિલક વિધિ સંપન્ન થશે. સમગ્ર ધાર્મિક વિધિ રાજકોટના જાણીતા શાસ્ત્રી, શાસ્ત્રિ વૃજલાલભાઇ ત્રિવેદીના પૌત્ર શાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં યોજવાની છે. 30મીએ રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરાનું પણ આયોજન છે.
 
શાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પૂર્વે યજ્ઞ કરવા માટે કૃષ્ણ ભગવાને શ્રીધર યજ્ઞશાળાનું નિર્માણ કરાવ્યું હતું અને આ તિલકવિધિ માટે પણ રણજિત વિલાસ પેલેસમાં શ્રીધર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. 51 શાસ્ત્રીની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રો વચ્ચે યજ્ઞ થશે, યજ્ઞ અને નગરયાત્રામાં શુદ્ધિ માટે એકત્રિત કરેલા 31 તીર્થજળ અને 100 મૂળિયા તથા ઔષધિનો ઉપયોગ થશે. ત્રિદિવસીય રાજમહોત્સવનો તા.28થી પ્રારંભ થશે અને તા.30ના અભિજિત મુહૂર્તમાં તિલકવિધિ થશે.