શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (17:01 IST)

Rajkot News - અમેરિકામાં જોવા મળતી આધુનિક સ્પીડ ગનની રાજકોટ ટ્રાફિક પોલીસને ફાળવણી

રાજ્યમાં દર વર્ષે 7થી 8 હજાર લોકો વાહન અકસ્માતમાં માર્યા જાય છે, તેમાંથી અડધો અડધ અકસ્માતો ઓવર સ્પીડના કારણે સર્જાય છે. રસ્તા પર ઓવર સ્પીડથી દોડતા વાહનો હંમેશા જોખમકારક હોય છે. આમ છતાં ટ્રાફિક પોલીસ ઓવરસ્પીડના કેસો કરી શકતી નથી, તેનું કારણ છે સાધનોનો અભાવ. શહેર ટ્રાફિક બ્રાંચને સ્પીડ ગન નામનું આધુનિક 'શસ્ત્ર' ફાળવાયું છે. જેની મદદથી માત્ર ચાર જ સેકન્ડમાં ટ્રાફિક પોલીસ વાહનની સ્પીડ નક્કી કરી તેની સામે ઓવરસ્પીડના કેસો કરી શકશે.

રાજ્યના દરેક જીલ્લાની પોલીસને એક સ્પીડ ગન હાલ ફાળવવામાં આવી છે. અમેરિકાની બનાવટની આ સ્પીડ ગનની કિંમત રૃા. ૧૧ લાખ છે. આ સાધનને હાથમાં ગનની જેમ પકડી શકાય છે. તેનું ટ્રીગર દબાવવાથી જ તે શરૃ થઈ જાય છે અને સામેથી આવતાં વાહનની સ્પીડ, તેનું લોકેશન, તારીખ, સમય, વાહનનો નંબર, વાહન ઉપરાંત ચાલકનો ફોટો સ્પીડ ગનમાં લાગેલી સ્ક્રીન પર કેદ થઈ જાય છે. ચાર જ સેકન્ડમાં સામેથી આવતા વાહનની સ્પીડ કેટલી છે તે આ સ્પીડગનમાં રેકોર્ડ થઈ જાય છે. તેના આધારે ટ્રાફિક પોલીસ ઓવરસ્પીડનાં કેસો કરી શકે છે. જો કોઈ વાહન ઓવર સ્પીડથી જતું હોય અને તેને અટકાવવા છતાં તે ન રોકાય તો પછી આ સ્પીડ ગનથી કનેકટેડ આગળ બીજા લેપટોપથી સજ્જ જવાનને આ વાહનની તત્કાળ બધી માહિતી મળી જાય છે જેના આધારે તે આ વાહનને રોકી ઓવર સ્પીડનો કેસ કરી શકે છે. જો તે પણ શક્ય ન હોય તો પછી વાહનનો નંબર અને તેના માલીકનું નામ, સરનામુ સહિતની વિગતો મેળવી તેને ઈ-મેમો તરીકે ઘરે પણ મોકલી દંડ વસુલી શકાય છે. શહેરમાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસ ઈન્ટરસેપ્ટર કારમાં લગાડેલા એક કેમેરાની મદદથી ઓવરસ્પીડના કેસો કરતી હતી પરંતુ તે કેમેરા ખૂબ જૂનવાણી હતા. સ્પીડ ગનને પણ હવે ટ્રાફિક પોલીસની ઈન્ટરસેપ્ટર કારમાં જ ફીટ કરવામાં આવશે. સ્પીડ ગન ઓપરેટ કરવા માટે તાલીમની જરૃર પડે છે. આ માટે એક જવાનને તાજેતરમાં અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. અગાઉ ઓવર સ્પીડ બદલ રૃા. ૧૦૦નો દંડ ટ્રાફિક બ્રાન્ચ વસુલતી હતી. નવા દંડ મુજબ હવે આ રકમ રૃા. ૧ હજાર કરી દેવાઈ છે. ખાસ કરીને ધૂમ સ્ટાઈલથી જતા વાહન ચાલકો સામે સ્પીડ ગન અસરકારક પુરવાર થશે તેમ ટ્રાફિક બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે. શહેરમાં હાલ શેરીએ, ગલીએ અને જાહેર રસ્તાઓ પર ઓવર સ્પીડથી એટલે કે બેફામ ગતિએ નિકળતા વાહનોને કારણે અનેક લોકો અને વાહન ચાલકોને જીવ તાળવે ચોટાડી જવું પડે છે. આ સ્થિતિમાં માત્ર એક સ્પીડ ગનથી પોલીસ કેટલા મોરચે લડશે તે પણ એક સવાલ છે. શહેરમાં ઓવર સ્પીડથી જતા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા લોકોની વર્ષો જૂની માંગણી છે. જાણકારોના મતે બેટરીથી ઓપરેટેડ સ્પીડ ગનની કેટલીક મર્યાદાઓ પણ છે. પરંતુ હાલ ટ્રાફિક પોલીસ તેના વિશે વાત કરવાનાં મૂડમાં નથી. અત્યારે શહેરમાં દરરોજ માત્ર ત્રીસેક જેટલા જ ઓવર સ્પીડના કેસો થાય છે. સ્પીડ ગન આવવાથી તેમાં કેટલો વધારો થાય છે તે જોવાનું રહે છે.