શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Updated : મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (16:30 IST)

ગુજરાતમાંથી એકેય કારસેવકને ભૂમિપૂજનમાં આમંત્રણ નહીં

રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર બનાવવા માટેનું દેશવ્યાપી અભિયાન ગુજરાતના સોમનાથથી 25 સપ્ટેમ્બર, 1990ના રોજ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ શરુ કરી હતી. ત્યારથી લઇને અનેક કિસ્સાઓમાં, પ્રદક્ષિણા હોય, શિલાપૂજન હોય કે 1992ની છઠ્ઠી ડિસેમ્બરે થયેલા બાબરી ધ્વંસનો દિવસ, ગુજરાતમાંથી હજારો કારસેવકોએ કોઇને કોઇ રીતે યોગદાન આપ્યું છે. જો કે હવે રામમંદિરનું ભૂમિશિલાપૂજન થવા જઇ રહ્યું છે ત્યારે ગુજરાતના એક પણ કારસેવકને આમંત્રણ અપાયું નથી. જો કે ગુજરાતના વિવિધ ધાર્મિક સંગઠનો સાથે જોડાયેલા સાધુ-સંતોને આમંત્રણ મળતા તેઓ અયોધ્યા જશે. આ અંગે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા નેતા ગોરધન ઝડફીયા કહે છે કે  આમંત્રણ માટેનો નિર્ણય મંદિર માટે બનેલી કમિટીના સાધુસંતોએ લીધો હોવાથી તે અંગે ટીપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ જે નિર્ણય લેવાયો છે તે ઠીક જ છે.   ગુજરાતમાંથી BAPSના વડા મહંતસ્વામીને આમંત્રણ મળ્યું હતું અને તેમના પ્રતિનિધી તરીકે અક્ષર વત્સલ મહારાજ તથા બ્રહ્મવિહારી સ્વામી, પંચમુખી હનુમાન અખાડાના નાગા સંપ્રદાયના મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજ, સારસાના ગાદીપતિ અવિચલદાસ મહારાજ, વડતાલના નૌતમ સ્વામી, રાજકોટ પાસેના મુંજકાના આર્ષ વિદ્યામંદિરના આચાર્ય પરમાત્માનંદ, SGVP ગુરુકુળના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસ, પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણી મહારાજ, ઝાંઝરકા ગાદી સવગુણ ધામના મહંત અને ભાજપના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાને આમંત્રણ મળ્યું છે. BAPSના મહંત સ્વામીને આમંત્રણ મળ્યું હતું પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે અને પ્રમુખ સ્વામી વતી અક્ષરવત્સલ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી અયોધ્યા જવા મંગળવારે નીકળશે.