સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 એપ્રિલ 2018 (00:17 IST)

ગુજરાતમાં આ વખતે ઉનાળામાં રેકોર્ડબ્રેક ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાનું પ્રભુત્વ વધવા લાગ્યું છે. ગુજરાતમાં આ વખતે ગરમી અગાઉના અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૨૦૧૬ના વર્ષના ઉનાળામાં ગરમીનો પારો ૪૯ ડિગ્રીએ પહોંચતા ૧૦૦ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો હતો. હવે ભારતીય હવામાન વિભાગે કરેલી વિક્રમી ગરમીની આગાહી જ પરસેવો છોડાવી દેવા માટે સક્ષમ છે. ભારતીય હવામાન વિભાગના મતે આ વર્ષે ઉનાળાનો વહેલો પ્રારંભ થયો છે અને તે સંકેત આપે છે કે આ વખતે વધુ કાળઝાળ ગરમી પડી શકે છે. આ વખતે જ્યાં વિક્રમી ગરમી પડી શકે છે તેમાં ગુજરાત ઉપરાંત પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં સાધારણ કરતા ૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી પડી શકે છે. જાણકારોના મતે કાળઝાળ ગરમી માત્ર મનુષ્યોના સ્વાસ્થ્ય પર જ નહીં પાક તેમજ વીજ પુરવઠા ઉપર પણ અસર પાડે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી એપ્રિલ-મે મહિનામાં ગરમીનો પારો કમસેકમ એકવાર ૪૭ ડિગ્રીને પાર થાય છે. ભારતીય હવામાન વિભાગે તેના ડ્રાફ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે ૨૦૧૭નું વર્ષ ભારત માટે ચોથું સૌથી ગરમ વર્ષ વર્ષ રહ્યું હતું. જેમાં પણ જાન્યુઆરીથી જ ગરમીની અસર શરૃ થઇ ગઇ હતી. આ વખતે પણ ગુજરાતમાં ગરમીનો વહેલો પ્રારંભ થયો હોવાથી ઉનાળો નવા રેકોર્ડ તોડે તેની પૂરી સંભાવના છે. હાલની વાત કરવામાં આવે તો ભારે ગરમીથી ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં ૩ લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં ૨૦૧૨થી ૨૦૧૬ એમ ચાર વર્ષમાં ૪૬૨૦ લોકો હિટ વેવજી જીવ ગુમાવી ચૂક્યા છે.