1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 નવેમ્બર 2021 (13:34 IST)

ગીરમાં સફારીની સંખ્યા ઓછી કરી દો,જેને સિંહ જોવા હોય તે ઝૂમાં જઇને જુએ : હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે ગીરમાં સિંહદર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. ગીર તલાલામાં આવેલા દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે 7 જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. તેમાં એવી રજૂઆત કરાઇ છે કે ટુરિસ્ટને સિંહ-સિંહણ દર્શન કરાવવા માટે સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા જાતજાતના કીમિયા કરવામાં આવે છે તેના લીધે સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભુ થઇ રહ્યુ છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે શુક્રવારે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, સિંહ-સિંહણને શાંતિથી જીવવા દો, શા માટે હેરાન કરો છો? કુદરતને હેરાન ન કરો. કુદરતના ક્રમમાં વિક્ષેપ ન કરો. જેને સિંહો જોવા છે તે ઝૂમાં જઇને જુએ. ખંડપીઠે સરકારને સફારીની સંખ્યા ઓછામાં ઓછી કરવા અને સિંહ સફારી માટે પોલિસી ઘડવા આદેશ કર્યો છે.

આ અંગે વધુ સુનાવણી 3જી ડીસેમ્બરે હાથ ધરાશે. પ્રોટેકશન એન્વાયરમેન્ટ એન્ડ પબ્લિક સર્વિસ કમિટીએ કરેલી અરજીમાં એડવોકેટ હ્દય બુચે રજૂઆત કરી હતી કે, જંગલમાં સિંહ દર્શન માટે વ્હીકલને આપેલી મંજૂરીને લીધે સિંહોનો કુદરતી ક્રમ વેરવિખેર થયો છે. સિંહો સરકસના સિંહો જેવા થઇ ગયા છે. સફારી માટેની એન્ટ્રીને નિયંત્રિત કરવી જોઇએ. અરજદારે દલીલ પણ કરી હતી કે વાહનોને જંગલના કૉર ઝોનમાં જવાની મંજૂરી અપાતા સિંહો તેમની ખાસિયત ગુમાવી રહ્યા છે. સિંહો જંગલમાં માનવ વસ્તીને લીધે કંટાળીને આસપાસનાં ગામડાંઓમાં જોવા મળી રહ્યા છે.સુનાવણી દરમિયાન બેન્ચે રમૂજ કરતા એવી ટકોર કરી હતી કે સિંહને જંગલમાં હેરાન કરો છો એટલે સિંહ ગામ સુધી પહોંચી જાય છે. થોડા સમય પહેલા સિંહના ટોળા પબ્લિક ટોઇલેટની બહાર જોવા મળ્યા હતા, એ જોઇને કોઇને ડાયેરિયા થયો હોય તો પણ બંધ થઇ જાય.દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે 7 જીપ્સી ઘેરી વળતા હાઇકોર્ટમાં અરજી થઈ હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો.બેન્ચે એવું અવલોકન કર્યું હતું કે, આપણે ત્યાં મસાઇમારા જેવી સગવડ ઉભી કરવી જોઇએ. એશિયાટિક લાયન આપણું ગૌરવ છે, તેને નહીં સાચવો તો એક દિવસ કંઇ જ બાકી નહીં રહે. જંગલમાં ગેરકાયદે લાયન શો થઇ રહ્યા છે,વાહનોના કારણે પરેશાન થઇને સિંહ હવે ગામ સુધી આવી જાય છે. વિદેશના જંગલો અને તેમની ફોરેસ્ટ પોલિસીનું રીસર્ચ કરો.અમિતાભ બચ્ચનની જાહેરાત છે કે યે નહી દેખા તો કુછ નહી દેખા, પણ યે નહી બચાઓગે તો કુછ નહી દેખોગે જેવો ઘાટ થશે.