બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2019 (13:14 IST)

રેશ્મા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો હવે અપક્ષ તરીકે ચૂંટણી લડશે

પાટીદાર અનામત આંદોલન સિમિતના પૂર્વ કન્વિનર અને ત્યારબાદ ભાજપનો પાલવ પકડનાર રેશ્મા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. પત્રકાર પરિષદમાં વાત કરતા રેશ્માએ જણાવ્યું હતું કે, ઉપલેટાને મેં મારું નિવાસ સ્થાન બનાવ્યું છે. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચને પત્ર લખ્યો છે. હું તમામ સંપર્કમાં છું. જોકે, હું ભાજપમાંથી રાજીનામું આપું છું. અપક્ષ તરીકે લડવાનું થશે તો માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા એક સાથે લડીશ. તેમણે લલિત વસોયાને વિનંતી કરી હતી કે જો ભાજપને પાડવું હશે તો એક થઇને લડવું પડશે. આમ આડકતરી રીતે કોંગ્રેસનો છૂપી રીતે સાથ આપવાના અણસાર વર્તાઇ રહ્યા છે. રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે મારી પાસે માર્કેટિંગ કરાવ્યું છે. મને મીડિયા પેનલિસ્ટ તરીકે કામ કરાવ્યું છે. આથી હું ભાજપ સાથેથી સત્તાવાર રીતે છેડો ફાડી રહી છું. મેં ગુજરાત પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. અને ભાજપનો ખેસ કુરિયર દ્વારા પરત કરું છું. પત્ર પણ કુરિયર કરી કમલમ મોકલાવીશ. ક સમયે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો માટે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલી અને પાટીદાર સમાજના હક માટે રેશ્મા પટેલ લડી હતી. સરકાર વિરુદ્ધ સુત્રોચાર અને ગાળો કાઢનાર રેશ્મા પટેલે એકાએક ભાજપનો ખેસ ધારણ કરતા પાટીદારોમાં પણ રોષ ફેલાયો હતો. ત્યારબાદ પાટીદાર અનાામત આંદોલનથી અળગી રહીને રેશ્મા પટેલે ભાજપ માટે કામ કરવાનું શરુ કર્યું હતું.