રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 માર્ચ 2018 (13:09 IST)

આ માતા-પિતા દિવસરાત ઇચ્છે છે પોતાના વ્હાલસોયા દીકરાનું ઈચ્છામૃત્યુ

શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઇચ્છા મૃત્યુને શરતોને આધીન માન્યતા આપી એ પછી અમરેલી જીલ્લાના સાવરકુંડલા ખાતે રહેતા દિનેશ મૈસુરિયાના જીવમાં જીવ આવ્યો છે અને તેને આશા જાગી છે કે દીકરાને હવે તે શાંતિથી મોતના ખોળામાં સુવડાવી શકશે. દિનેશભાઈએ લગભગ ચાર મહિના પહેલા તેમના 12 વર્ષના પુત્ર પાર્થ માટે ઈચ્છામૃત્યુની માગ કરી હતી અને હવે તેમને લાગે છે કે તેમની આ માગણી સ્વીકારી લેવામાં આવશે. હકીકતમાં પાર્થ SSPE નામનો અસાધ્ય ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર છે જેના કારણે તે દરેક ક્ષણે મોતનો સાક્ષાત્કાર કરી રહ્યો છે.આ રોગનું આખું નામ છે સબએક્યુટ સ્ક્લેરોસિંગ પેનેસિફાલાઇટિસ, આમાં દર્દીને આંચકી આવે છે અને તે હલચલન પર નિયંત્રણ ગુમાવે છે.

આ રોગમાં દર્દીમાં ગાંડપણ અથવા તો વ્યવહારમાં પરિવર્તન જોવા મળે છે. દર્દીનો વ્યવહાર પણ અસામાન્ય થાય છે. જુલાઈ 2016માં ભારે તાવમાં સપડાયા બાદ પાર્થ આ રોગનો શિકાર થયો. જો કે તાવ તો થોડા દિવસમાં ઉતરી ગયો પરંતુ આંચકીઓ ચાલુ રહી. આ રોગને કારણે એક સમયે સામાન્ય બાળકની જેમ હસતો, રમતો અને ડાન્સ કરતો પાર્થ આજે પથારીમાં પડ્યો છે. તે સરખી રીતે પોતાની જીભનું હલનચલન પણ ન કરી શકતો હોવાથી બરાબર જમી પણ નથી શકતો.પથારીવશ પુત્ર પાર્થ માટે પિતાએ નવેમ્બર 2017માં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને ઈચ્છામૃત્યુની માગ કરતો પત્ર લખ્યો હતો. જે બાદ પીએમઓએ દિલ્હી AIIMS પાર્થની નિ:શૂલ્ક સારવાર માટે વ્યવસ્થા કરી આપી હતી. જોકે આ સારવાર છતાં પણ પાર્થની તબિયતમાં કોઈ જાતનો સુધારો ન થતા આખરે તેને ઘરે લાવી દેવામાં આવ્યો છે. હવે ઇચ્છામૃત્યુ મામલે કોર્ટના ચુકાદા પછી દિનેશભાઈ તેના દીકરાના મૃત્યુ આપવાની પરવાનગી સુપ્રીમકોર્ટ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પાસે માગવાનું આયોજન કરી રહ્યા છે.પાર્થની સતત દેખરેખ રાખવી પડે છે અને આ કારણે પરિવારજનોએ સતત તેની સાથે રહેવું પડે છે. પાર્થની દેખરેખ કરવા માટે તેના પિતાએ હીરા પોલીશ કરવાની નોકરી છોડી દીધી અને હવે દાળ-ચોખાના પેકેટ વેચીને ઘર ચલાવે છે. પાર્થના આ રોગને કારણે તેની તો તકલીફ વધી રહી છે પણ સાથેસાથે પરિવાર પણ માનસિક, શારીરિક અને આર્થિક રીતે તૂટી રહ્યો છે ત્યારે તેના પિતા દીકરાને ઇચ્છામૃત્યુ દેવાના વિકલ્પ વિશે વિચારી રહ્યા છે.