શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 માર્ચ 2018 (12:51 IST)

સભાઓમાં ભીડ એકઠી કરવા ભાજપ સરકારે STના ભાડાપેટે રૃા.75.42 કરોડ ખર્ચ્યાં

એક તરફ,છેવાડાના ગામડાં સુધી એસટી બસો પહોંચી ન શકતા મુસાફરોને ખાનગી વાહનોમાં અવરજવર કરવા મજબૂર થવુ પડયુ છે.બીજી તરફ,સરકારી કાર્યક્રમોમાં મેદની એકઠી કરવા એસટી બસોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપ સરકારે છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા એસટી નિગમને ભાડાપેટે રૃા.૭૫.૪૨ કરોડ જેટલો માતબર ખર્ચ કર્યો છે. સરકારી તિજોરી પર કોઇનો પંજો પડવા નહી દઉં તેવો દાવો કરતી ભાજપ સરકાર જ પ્રજાના નાણાંનો ધૂમાડો કરી રહી છે.

ઉત્સવપ્રિય ભાજપ સરકારે છેલ્લા બે વર્ષમાં ૬૦૩ સરકારી કાર્યક્રમ આયોજીત કર્યાં જેમાં લોકોને એકઠા કરવા સરકારે નિગમ પાસે ૪૧,૦૪૧ એસટી બસોની માંગ કરી હતી જેનુ કુલ ભાડુ રૃા.૭૫,૪૨,૭૧,૭૫૦ થયુ હતુ. સરકારે રૃા.૫૨,૪૨,૫૨,૭૮૦ ભાડાપેટે એસટીને ચુકવી દીધુ હતુ જયારે હજુય સરકારે રૃા.૨૩,૦૦,૧૮,૭૯૦ ચૂકવવાના બાકી છે. એસટી નિગમનો પણ એવો વહીવટ છેકે,એસટીની બસોની સંખ્યા ઘટી છે,રૃટો ઘટયાં છે.નાગરિકોને એસટીની સુવિધા સુધ્ધાં મળતી નથી જેના લીધે ખાનગી લકઝરી બસો,જીપો,છકડાં જેવા સાધનો બેરોકટોક વધી રહ્યાં છે. અકસ્માતો પણ વધી રહ્યાં છે તેમ છતાંયે પ્રજાના વાહનવ્યવહારની સુવિધા માટે સરકાર ઉદાસિન છે.આ જ એસટી નિગમની બસો જાણે સરકારી કાર્યક્રમ હોય તો,રૃટો બંધ કરીને ભાજપના કાર્યકરોને લઇને દોડે છે.