હિંસક જૂથ અથડામણ અનેક ઘાયલ, 100 જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું
સાબરકાંઠાના મજરા ગામમાં શુક્રવારની રાત્રે બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
120 સામે ગુનો નોધાયો
આ ઘટના અંગે એસપી એ.કે. પટેલે જણાવ્યું હતું કે, પોલીસે 60 વ્યક્તિ સામે નામજોગ સહિત 120 સામે ગુનો દાખલ કર્યો છે. આ વિવાદ જુની અદાવતમાં થયો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે . પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતાં સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં 7થી 8 લોકોને ઈજા પહોંચી હતી. આ અથડામણમાં કુલ 100 જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, કેટલાંક ઘરોનાં બારી-બારણાંના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે. એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે.
પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ સ્પષ્ટ થયો છે. ગામમાં આવેલા ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતા વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, પરંતુ એ પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારે જૂથ અથડામણ થઈ હતી.