શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 7 મે 2021 (12:47 IST)

કોરોના સંક્રમિત ડાયાબિટિશ ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસનું જોખમ, 30થી વધુ દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ

રાજ્યમાં કોરોનાનો કહેર બેકાબુ બન્યો છે. ત્યારે સુગર ધરાવતા કોરોના સંક્રમિત દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ ફંગસનું જોખમ વધ્યું છે. આ પ્રકારની બીમારી ધરાવતા દર્દીઓનું પ્રમાણ પણ રાજ્યમાં ચિંતાનું કારણ બન્યું છે. અમદાવાદમાં જ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

શહેરમા સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની બીમારી ધરાવતા 30થી વધુ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. હાલમાં અમદાવાદ સિવિલ ખાતે દરરોજના સરેરાશ 3 થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયો ત્યારથી ડિસેમ્બર સુધી મ્યુકોરમાઇકોસિસના 125 દર્દીઓને અમદાવાદ સિવિલ ખાતે સારવાર આપવામં આવી હતી. આ પછી ફેબ્રુઆરી સુધી તેના માંડ 2 જેટલા દર્દી આવ્યા હતા. પરંતુ છેલ્લા 10 દિવસથી ફરી એકવાર મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં વધારો થયો છે. 

કોરોનાના બીજા વેવમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ આવી રહ્યાં છે. વડોદરાના વિવિધ ઇ એન્ડ ટી અને સંક્રમણના તજજ્ઞોના જણાવ્યા મુજબ છેલ્લા 50 દિવસમાં જ મ્યુકોરમાઇકોસિસના 100થી વધુ કેસો આવ્યા છે. જ્યારે તે પૈકીના 20ના મોત નિપજ્યાં છે.

શુ છે લક્ષણો 
 
 - આ રોગના લક્ષણમાં સૌ પહેલા આંખો પર અને ગાલ નીચે સોજા આવી જાય છે.  સાથે જ તાવ અને શરીરમાં દુખાવો થાય છે.
- તાળવાના ભાગે ચાંદા પડે, તાળવાનો ભાગ કાળો પડે.
- આંખમાં દુ:ખાવો થાય, ઝડપથી આંખને ખોલ-બંધ કરી શકો નહીં.
- ખાંસી, શરદી શરૂ થાય, નાકમાંથી કાળુ પ્રવાહી નીકળવાનું શરૂ થાય.
- કેટલાક દિવસ બાદ આંખની નીચેનો ભાગ, ગાલના ભાગ પર સોજો આવે.
- આ અંગો લાલાશ પડતા થવાના શરૂ થાય અને માથું સખત દુ:ખવાનું શરૂ થાય

મોટાભાગના દર્દીઓ કોરોનાની બીમારીમાંથી સાજા થવાના હોય છે ત્યારે આ બીમારી જોવા મળી છે. એકવાર મ્યુકોરમાઇકોસિસ ફુગનું સંક્રમણ થાય પછી તે શરીરમાં ઝડપથી પ્રસરવા માંડે છે. એટલે કે ફેફસા, મગજ અને કીડનીને પણ નુકસાન પહોંચાડે છે. જો ઝડપથી અને સમયસર સારવાર શરૂ ન કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં જ દર્દીનું મૃત્યુ થઇ જાય છે

મ્યુકોરમાઇકોસિસમાં ઘણા કિસ્સાઓમાં ચેપ વધતા દર્દીની સર્જરી કરીને આંખ કાઢી નાંખવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં દર્દી કે તેનો પરિવાર તબીબને દવાઓ કે ઇન્જેકશન આપીને આંખ બચાવવાની વાત કરતા હોય છે પણ શહેરમાં છેલ્લા 15 દિવસમાં જ આવી જીદને લીધે 3 દર્દીના મોત થયા છે. કારણ કે ફુગ પ્રસરતા શરીરના ફેફસા, યકૃત, સાઇનસ, ચામડી અને કરોડરજ્જુને પણ અસર કરે છે.

કેવી રીતે  થાય છે સારવાર

 મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા દર્દીનો સી.ટી-સ્કેન અને MIR કરાવી ઇન્ફેક્શનનું પ્રમાણ ચકાસવામાં આવે છે. આ ઉપરાંત ફંગસનું સેમ્પલ લઇ તેની બાયોપ્સી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાના રિપોર્ટના આધારે ફંગસ આંખ, નાક અને મગજ સહિતના શરીરના કયા-કયા ભાગમાં ફેલાઇ ચૂકી છે તેનું નિદાન કરવામાં આવે છે.આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબોનું કહેવું છે કે, 'કોરોના થાય તો વિશેષ કરીને ડાયાબિટિસના દર્દીઓએ ડાયાબિટિસમાં વધારો ન થાય તેની વિશેષ તકેદારી રાખવી જોઇએ. કોરોનાની સારવાર બાદ ખાસ કરીને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટિસના દર્દીઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આ પ્રકારના દર્દીઓમાં પ્રાથમિક લક્ષણ સાયનસનું ઇન્ફેક્શન હોય છે. સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેમાં ફંગલ ઇન્ફેક્શન થાય અને ત્યારબાદ તે ગતિ પકડે છે.આ ઉપરાંત દર્દીને ઉપલા જડબામાં દુખવું, ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા, આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું, સાયનસના ઇન્ફેક્શન સાથે માથામાં અસહ્ય દુઃખાવો થવો, મોઢાના ભાદમાં સોજો આવવો જેવા કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત ઇએનટી સર્જનનો સંપર્ક કરવો જોઇએ.