રીલ્સ માટે જીવ મુક્યો જોખમમાં
યુવાધનને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે રિલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે, તેના માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. અમદાવાદ-મુંબઇ રેલવે લાઇન પર વડોદરાના વડસર બ્રિજ પાસે બે યુવાનો જોખમી રીતે રેલવે ટ્રેક પર ચાલતા, વીડિયો અને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા. આ યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકીને મોડેલિંગ કરતા હોય તે પ્રકારના વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા. રોજ ક્યાંક ને ક્યાંક ટ્રેનની અડફેટે મોતના સમાચાર આવે છે, ત્યારે આવી જોખમી રીતે વીડિયો શૂટ કરીને યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.
અમદાવાદ-મુંબઇ રેલવે લાઇનને ખૂબ જ બિઝી રેલવે લાઇન માનવામાં આવે છે. અહીં દર 5થી 6 મિનિટે એક ટ્રેન પસાર થાય છે. વડોદરાના વડસર બ્રિજ પર હાજર હતી. તે સમયે સાંજે 6થી 7.30 વાગ્યા દરમિયાન 90 મિનિટમાં 16 ટ્રેનો ત્યાંથી પસાર થઈ હતી. સતત ટ્રેનો પસાર થતી હોવા છતાં 2 યુવાનો રેલવે ટ્રેક પર જોખમી રીતે વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા. એક યુવાન જાણે મોડેલિંગ કરતો હોય તેવી સ્ટાઇલમાં ચાલતો જોવા મળ્યો હતો અને બીજો યુવાન તેનો વીડિયો ઉતારતો જોવા મળ્યો હતો. બંને યુવાન વીડિયોની સાથે સાથે ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.વીડિયો અને ફોટોગ્રાફી કર્યાં પછી બંને યુવાનો 200થી 300 મીટર જેટલું રેલવે ટ્રેક પર ચાલતા જોવા મળ્યા હતા. આ રેલવે લાઇન ખૂબ બિઝી હોવા છતાં બંને યુવાનો પાછળ જોયા વિના જોખમી રીતે રેલવે ટ્રેક પર ચાલી રહ્યા હતા અને બંનેએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.
