શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 નવેમ્બર 2018 (15:46 IST)

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ એક લાખ ગ્રાહકોનું ર૬૦ કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થઇ જવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

વિનય અને ભાર્ગવી વિરુદ્ધમાં પોલીસ લુક આઉટ નો‌ટિસ જારી કરવામાં આવશે તો બીજી તરફ ઠગ દંપતીએ ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને તેમનાં પુત્ર સ્વપ્નીલ રાજપૂત સહિત મી‌ડિયાનાં કેટલાક ‌રિપોર્ટર પર તોડનાં આક્ષેપ કરતી ક‌િથત સ્યુસાઇડ નોટ સોશિયલ મી‌ડિયા પર વાઈરલ થતાં લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.

કરોડો રૂપિયાની કરેલી ઠગાઇનાં આક્ષેપથી બચવા માટે અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે દંપતીએ પોલીસ અધિકારી, રાજકારણી અને મી‌િડયાકર્મી પર ખોટા આક્ષેપ કરતી પાયાવિહોણી સ્યુસાઇડ લખી હોવાનું પોલીસ માની રહી છે. પોલીસને હજુ સુધી કોઇ સ્યુસાઇડ નોટ અધિકૃત રીતે મળી નહીં હોવાથી તેમને આ મામલે તપાસ કરવાનો ઇન્કાર કરી દીધો છે. કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને વિનય પહેલાં નાસી ગયો અને ત્યારબાદ ભાર્ગવી પણ ભેદી રીતે લાપતા થઇ ગઇ છે.

પોલીસને શંકા છે કે તે વિદેશ ભાગી ગયા છે. નોંધપાત્ર વાત એ છે કે શાહ દંપતીની કંપનીમાં રોકાણ કરનારા ઘણા લોકોને ખબર હતી કે આ ફ્રોડ છે, પરંતુ આપણે નીકળી જઇશું તેમ માનીને ફસાયા હતાં. પાલડીનાં યુનિયન ફ્લેટમાં રહેતા વિનય શાહ અને ભાર્ગવી શાહે વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં પાંચ હજારથી લઇને રપ હજાર રૂપિયા સુધીની રકમ ડીપોઝીટ પેટે લેતા હતાં. તેઓ ગ્રાહકોને ઓનલાઇન પર જાહેરાતો જોવાનું કહીને તેનાં બદલામાં ૧૮ ટકા વળતર દર મહિને આપવાનું કહેતા હતાં.

આ પ્રકારે ઠગ દંપતીએ એક લાખ ગ્રાહકો બનાવીને ર૬૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતાં. દિવાળીનાં સમયે કેટલાક ગ્રાહકોએ રૂપિયા આપવાનું કહીને બોલાવ્યા હતા જોકે બન્ને જણાએ કોઇને રૂપિયા નહીં આપતાં ગઇકાલે પ૦૦ કરતાં વધુ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. ગઇ કાલે ૧પ કરતાં વધુ લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચી‌ટિંગની ફરિયાદ કરવા માટે ગયા હતા જ્યાં પોલીસે મોડી રાતે વિનય અને ભાર્ગવી વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી.

બન્ને કંપનીઓના નેજા હેઠળ તેમણે મ‌િલ્ટલેવલ માર્કે‌ટિંગની સ્કીમ મૂકી હતી, જેમાં તેઓ મેમ્બરની ચેઇન બનાવતા હતાં, જેમાં ત્રણ પેકેજ હતા પ, ૧૦ અને રપ હજારનાં પેકેજમાં મેમ્બર‌શિપ આપતા હતાં. આ મેમ્બર‌શિપ મેળવનાર વ્યકિતને તેમની વેબસાઇટ પર જાહેરાત જોવાનું કહેવામાં આવતું હતું, જેમાં મેમ્બરને ‌ક્લિકનાં આઘારે ૧૮ થી ર૦ ટકા ક‌િમશન આપવામાં આવતું હતું અને વધુ મેમ્બર જોડનારને લોભામણી લાલચ પેટે વિદેશયાત્રા, સોનાના સિક્કા લક્ઝુરિયસ કાર ગિફ્ટ આપવામાં આવતી હતી.

શરૂઆતમાં બંન્ને જણાએ ગ્રહકોને રૂપિયા આપ્યા હતા, જેથી અન્ય ગ્રાહકો આવી શકે. વિનય શાહે રાજ્યમાંથી એક લાખ ગ્રાહકો પાસેથી ર૬૦ કરોડ રૂપિયા ઉઘરાવી દીધા હતા. ગ્રાહકોને રૂપિયા નહીં આપતાં વિનય શાહ નાસી ગયો હતો જેમાં બે દિવસ પહેલાં ભાર્ગવીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ કરી હતી. ભાર્ગવીએ જાણવાજોગ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અધિકારી, પત્રકારો અને નેતાઓ હેરાન કરતા હોવાથી તેઓ ગુમ થયા છે. વિનય ભાગી ગયા બાદ ભાર્ગવી પણ ભેદી રીતે લાપતા થઇ છે. ગઇ કાલે શાહીબાગની ન્યુ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રાહુલ દશરથભાઇ જાનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિનય અને ભાર્ગવી વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવીને ફરાર થનાર વિનય શાહએ ૧૧ પેજની ક‌િથત સ્યુસાઇડ નોટ તેમનાં સ્ટાફનાં કર્મચારી મારફતે સોશિયલ મીડિયા પર ફરતી કરી હતી. વિનયે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ સ્યુસાઇડ નોટ લખી હોવાનું પોલીસ માની રહી છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.જાડેજાએ જણાવ્યું છે કે દંપતી વિદેશ નાસી ગયા હોવાની આશંકા છે જેથી તેમનાં વિરુદ્ધમાં લુક આઉટ નો‌ટિસ ઇસ્યુ કરવામાં આવશે. આ સિવાય વિનયની કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી, જેથી અમે તે મામલે તપાસ કરવાના નથી. ક્રાઇમ બ્રાંચનાં વડા જે.કે.ભટ્ટનો આ મામલે સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નથી.