ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 માર્ચ 2020 (10:48 IST)

રૂપાણી સરકારે વાહન ચાલકો પાસેથી દંડ પેટે ખંખેર્યા 686 કરોડ રૂપિયા

ગુજરાતમાં વાહનો ચાલકો દર વર્ષે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી રહ્યા છે. લોકો મહેનત કરીને એક-એક રૂપિયો કમાય છે અને ગુજરાતની પોલીસ દ્બારા સમયાંતરે રસ્તા પર અલગ અલગ જગ્યાઓ પર ઊભા રહીને વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડની વસુલાત કરવામાં આવે છે.
 
વાહન ચાલક પર અલગ-અલગ નિયમ ભંગની કલમો લગાડીને તેની પાસેથી સ્થળ પર જ 100 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીના દંડની વસુલાત કરવામાં આવે છે. તો કેટલીકવાર વાહન ચાલકનું વાહન પણ ડીટેઈન કરવામાં આવે છે. વાહન ચાલકોની આ દંડની રકમ સરકાર માટે એક પૈસા કમાવવાનું સાધન બની ગઈ છે. કારણ કે, છેલ્લા પાંચ વર્ષમાં વાહન ચાલકોના દંડના કરોડો રૂપિયાથી સરકારની તિજોરી ભરાઈ રહી છે.
 
વિધાનસભા સત્રમાં ગુજરાતના વાહનચાલકોએ ચૂકવેલા દંડ અંગે ખુલાસો થયો છે. વાહન વ્યવહાર મંત્રીએ ગૃહમાં જણાવ્યું કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વાહનચાલકો પાસેથી દંડ પેટે રૂ.686 કરોડ વસુલવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના એક પ્રશ્નના ઉત્તરમાં વાહનવ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે,1 જાન્યુઆરી 2018 થી 31 ડિસેમ્બર 2018 સુધીમાં રાજ્યમાં મોટર વ્હિકલ એક્ટ અન્વયે દંડ પેટે રૂપિયા 346 કરોડ 42 લાખ 16 હજાર 41 વસુલવામાં આવ્યા હતા. જ્યારે 1 જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં 340 કરોડ 27 લાખ 82 હજાર 972 વસુલવામાં આવ્યા હતા. આમ બે વર્ષમાં વાહનચાલકો પાસેથી રૂ.686 કરોડ 69 લાખ 99 હજાર 13 વસુલવામાં આવ્યા હતા.