શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (15:43 IST)

અમદાવાદમાં સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યા

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ હવે રોકેટ ગતીએ આગળ વધી રહ્યું છે. દર્દીઓ પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યાં છે. ત્યારે હવે સાબરમતિ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 35 કેદીઓ પોઝિટિવ આવ્યાં છે. તેમજ 55 કેદીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધવાને કારણે સાબરમતિ જેલમાં કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ગણતરીના કલાકોમાં જ 35 દર્દીઓ સામે આવતા સમગ્ર જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે કુલ 55 જેટલા કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.

આ અંગે જેલના અધિકારી જણાવ્યું હતું કે જેલમાં હાલ કેદીઓનું ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે જેમાં કેદીઓને પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુભાષબ્રિજ આરટીઓમાં ઇન્સ્પેક્ટર સહિત 30 કર્મચારી કોરોનાગ્રસ્ત થવાથી કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સુભાષબ્રિજ આરટીઓમાં કોરોનાની મહામારી વચ્ચે પણ રોજના 1 હજાર લોકો આવે છે, જેને લીધે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આરટીઓમાં 30 કેસ છે. રોજ એક-બે કેસ આવી રહ્યા છે. આરટીઓમાં 160નું મહેકમ છે, જેમાં 40 ઇન્સ્પેક્ટરો છે. હાલ 13થી વધુ ઇન્સ્પેક્ટરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સંક્રમણ ઘટાડવા માટે આરટીઓએ વાહનવ્યવહાર વિભાગ સમક્ષ રજૂઆત કરી નથી અને આરટીઓમાં કામગીરી ચાલુ રાખી છે. સરકારે 50 ટકા કર્મચારીની સંખ્યા ઘટાડવા કરેલા નિર્ણયનું પાલન થતું નથી. માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તંત્ર અને લોકો બેદકારીને કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ડબલ થવા લાગ્યું હતું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યાર બાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે, જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.