ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑક્ટોબર 2019 (12:03 IST)

સાબરમતિ નદીમાં આત્મહત્યાના કિસ્સામાં વધ્યા 20 દિવસમાં 13 લોકોએ ઝંપલાવ્યું

સાબરમતી નદીને અમદાવાદીઓએ સ્વચ્છ તો બનાવી છે પરંતુ નદીમાં પડી આત્મહત્યાના કિસ્સાઓ ઓછા થતાં નથી. સ્વચ્છતા અભિયાન બાદ ફરી ભરાયેલી નદીમાં આત્મહત્યાના કિસ્સા ફરી શરૂ થયા છે. ઓક્ટોમ્બર માસના 20 દિવસમાં જ સાબરમતી નદીમાં ઝંપલાવી 13 લોકોએ આત્મહત્યા કરી છે. છેલ્લા 9 મહિના અને 20 દિવસમાં ફાયર બ્રિગેડને સાબરમતી નદીમાં લાશ અને ઝંપલાવ્યાના અનેક કોલ મળ્યા છે. જેમાં કુલ 73 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે કુલ 19 લોકોને જીવતા બચાવ્યા છે. સૌથી વધુ પુરુષોએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે.
સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યાના કિસ્સામાં રોકવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા તમામ બ્રિજ પર ઉંચાઇવાળી લોખંડની જાળી લગાવી દેવાઇ છે. પરંતુ હવે લોકો વોક વે પરથી પડતું મૂકી આત્મહત્યા કરે છે. આત્મહત્યાના કિસ્સામાં મોટી ઉંમરના લોકો બીમારીથી કંટાળી, એકલવાયું જીવન , ઘરના લોકોથી ત્રાસ કારણ હોય છે. જ્યારે મહિલાઓમાં ઘરના અને સાસરિયાંના ત્રાસ તેમજ પ્રેમ પ્રકરણ જવાબદાર હોય છે ઉપરાંત યુવાનોમાં બેરોજગારી પણ આત્મહત્યા માટે કારણ બને છે. સરદારબ્રિજ, NIDની પાછળ અને આંબેડકરબ્રિજ પાસેથી વધુ લાશ મળે છે.
ફાયર રેસ્ક્યુ ટીમના ભરત મંગેલાએ જણાવ્યું હતું કે સૌથી વધુ વાડજ રામ રહીમનો ટેકરો, કુલ બજાર, ગુજરી બજાર, સરદારબ્રિજ, વાસણા બેરેજ પાસેથી ઝંપલાવે છે.મોટાભાગની લાશો સરદારબ્રિજની આસપાસ મળે છે જ્યારે કેટલીક લાશો તરતી આવે છે. લોકો વોક વે પરથી પણ વધુ પડે છે માટે રેસ્કયુ ટીમ વોક વે પાસે સતત પેટ્રોલિંગ કરે છે.