રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (12:14 IST)

સુરતમાં અડાજણની સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલનાં 2 વિદ્યાર્થીને કોરોના, સ્કૂલ 7 દિવસ માટે બંધ

શહેરમાં મંગળવારે કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે, જેમાં જહાંગીરપુરા નક્ષત્ર નેબ્યુલા ખાતે રહેતો અને અડાજણની સંસ્કાર ભારતીમાં ધોરણ 12 સાયન્સમાં ભણતો કિશોર (17) તથા રાંદેર રહેતી અને રિવરડેલ સ્કૂલમાં 11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થિની (15) પોઝિટિવ આવ્યા છે.

આ ઉપરાંત અઠવાલાઈન્સ બદ્રી મહેલની 69 વર્ષીય વૃદ્ધા અને તેમને ત્યાં કામ કરતી 46 વર્ષીય ઘરઘાટી, વેસુ સ્વસ્તિક રેસીડેન્સીની 63 વર્ષીય વૃદ્ધા, પાર્લેપોઈન્ટ સોમનાથ એન્કલેવના ૩૨ વર્ષીય કાપડ વેપારી તેમજ બેગમપુરા કુતબીવાડના 94 વર્ષીય વૃદ્ધ પણ સંક્રમીત થયા છે.

રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડૉ. નિમેષે કહ્યું કે, સંસ્કાર ભારતી સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા બાદ સ્કૂલમાં માસ ટેસ્ટિંગ માટે કવાયત કરાઈ હતી. જોકે સ્કૂલ બપોરે છૂટી જતાં માત્ર શિક્ષકોનું જ ટેસ્ટિંગ થઈ શક્યું હતું. વિદ્યાર્થીઓનું પણ માસ ટેસ્ટિંગ કરાશે. સ્કૂલને આગામી 1 અઠવાડિયા માટે બંધ કરાઈ છે. સંસ્કાર ભારતીના વિદ્યાર્થીને ચેપ કેવી રીતે લાગ્યો તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. પરિવારમાં અન્યોના રિપોર્ટ નેગેટિવ હોવાથી ચેપ સ્કૂલમાંથી લાગ્યો હોવાની સંભાવનાએ પાલિકાએ સ્કૂલ સિહત 120 ટેસ્ટ કર્યા જે તમામ નેગેટિવ છે.

ક્લાસના બાકી વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ બુધવારે પણ કરાશે. પાલિકાએ વિદ્યાર્થીની આસપાસ રહેતા લોકોના ટેસ્ટ કર્યા હતાં જેમાં તેના માતા-પિતાનું પણ કોરોના ટેસ્ટ કરાયો હતો. માતા-પિતાએ વેક્સિન લઈ લીધી હોવાથી તેઓ પુત્રના સંપર્કમાં હોવા છતાં સુરક્ષિત હોવાનું મનાય રહ્યું છે અને તેમના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હતા.