બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2023 (19:03 IST)

નર્મદાની પરિક્રમા કરવા બોટમાં બેઠા ને અધવચ્ચે જતાં જ ડૂબી, 6 લોકોને એનડીઆરએફએ બચાવ્યા

ndrf team
નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા હાલ ચાલી રહી છે. આ દરમિયાન રેંગણ ઘાટ પાસે નર્મદા નદીમાં હોડી ડૂબતા સુરતના મોટા વરાછાના એક જ પરિવારની પાંચ મહિલાઓ અને એક પુરુષ ડૂબવા લાગ્યાં હતાં. જેઓનું NDRFની ટીમ દ્વાર દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હોડીમાં નદી પાર કરી રહેલા શ્રદ્ઘાળુઓ પાસે લાઇફ સેવિંગ જેકેટ પણ ન હતાં.નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું ખાસ ધાર્મિક મહત્ત્વ છે. ત્યારે ચૈત્ર મહિનામાં નર્મદા જિલ્લામાં યોજાતી ઉત્તરવાહીની પરિક્રમમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. જેમાં હાલ સુધીમાં અંદાજે 10 લાખ જેટલા લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે. પરિક્રમા પૂર્ણ થવાને બે દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે પરિક્રમા કરી રહેલા શ્રદ્ઘાળુઓની હોડી નર્મદા નદીમાં મધ્યે જ ડૂબી હતી. જેથી હોડીમાં સવાર પાંચ મહિલાઓ અને એક પુરુષ ડૂબવા લાગ્યાં હતાં.શ્રદ્ઘાળુઓ નદીમાં ડૂબતા બચાવો બચાવોની બૂમો પાડી હતી. જેથી પહેલેથી જ નદીમાં તૈનાત NDRFની ટીમ બોટ અને લાઇફ સેવિંગ જેકેટ લઇને ડૂબી રહેલા શ્રદ્ઘાળુઓ પાસે પહોંચી ગઇ હતી અને તમામને બચાવી લીધા હતા.

આ પાંચ પરિક્રમાવાસીઓમાં સુરત મોટા વરાછાની રાજહંસ સોસાયટીનાં 55 વર્ષીય મધુબેન ભગવાનભાઈ ગોદાણી, 45 વર્ષીય રેખાબેન દિનેશભાઇ ગોદાણી, 20 વર્ષીય વસુબેન ઘનશ્યામભાઈ ગોદાણી, 40 વર્ષીય અસ્મિતાબેન ઘનશ્યામભાઈ ગોદાણી, 23 વર્ષીય દિશાબેન મિલનભાઈ બેલડિયા તેમજ અન્ય એક પુરુષ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ એક જ પરિવારના એક ગ્રુપમાં પરિક્રમા કરવા આવ્યા હતા. આખી પરિક્રમા હેમખેમ પૂરી કરી અને પરિક્રમાના પૂર્ણતાના સ્થાને આવી આ ઘટના બની હતી. જો કે આ બનાવમાં હેમખેમ બચી ગયેલા પરિવાર પરિક્રમા કરી નર્મદા મૈયા અને તંત્રનો આભાર માનીને ઘરે પરત ફર્યા હતા.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા અને પુરુષો જે હોડીમાં સવાર હતા તે હોડી એન્જિન વિનાની સાદી હોડી હતી. તેમજ હોડીમાં મુસાફરોના જીવ બચાવવા માટે જરૂરી સલામતીનો સામાન કે જેકેટ પણ નહોતાં.